ભગવાન! તું રાગ નહિ હોં! તું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છો. અંદર તારું ધ્રુવ પરમાત્મસ્વરૂપ છે તેના અસ્તિત્વને માનતો નથી ને તું રાગના છંદે (-કુછંદે) ચઢી ગયો છો? અરે પ્રભુ! તું શું કરે છે? આ વ્રત ને તપ ને પૂજા ને ભક્તિ ઈત્યાદિ કરી કરીને તું ધર્મ માને છે પણ બાપુ! એ ધર્મ નહિ, એ સ્વદ્રવ્ય નહિ, એ તો અન્યદ્રવ્ય છે. તારું સ્વદ્રવ્ય તો બેહદ વીતરાગસ્વભાવથી ભરેલો આનંદકંદ અનાકુળ શાંતરસ-ચૈતન્યરસનો પિંડ છે. તેને જ અંતર્મુખ થઈ જાણવો, માનવો-શ્રદ્ધવો ને તેમાં જ લીન થવું તે ધર્મ છે, મોક્ષમાર્ગ છે. અરે, તું કરવાનું કરતો નથી, અને ન કરવાનું કરવામાં રોકાઈ ગયો! તું એકવાર સાંભળ તો ખરો, અહીં આચાર્યદેવ શું કહે છે? કે જગતમાં દ્રવ્યલિંગ ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, આ જ્ઞાન જ એક પોતાથી-આત્મદ્રવ્યથી થાય છે. ભાઈ! તારે આત્માની શાંતિ ખોવી હોય, ચારગતિમાં રખડવું હોય તો રાગના વાડે (-ક્ષેત્રમાં) જા. કહેવત છે ને કે- ઘો મરવાની થાય તો વાઘરીવાડે જાય, તેમ જેને જન્મ-મરણ જ કરવાં છે તે રાગના વાડે જાય. આવી વાત!
અહાહા....! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અહા! એ જ્ઞાનનું જ્ઞાનસ્વભાવે થવું એ જ્ઞાન જ એક આત્મદ્રવ્યથી થાય છે. જ્ઞાનનું જ્ઞાન થવું, જ્ઞાનનું શ્રદ્ધાનભાવે થવું ને જ્ઞાનની રમણતા થવી-એ જ્ઞાન જ એક પોતાનું સ્વરૂપ છે. અહા! જ્ઞાનની જ્ઞાન-શ્રદ્ધાન- આચરણરૂપે પરિણતિ થવી તે એક જ સાધન છે, તેની પૂર્ણતા તે તેનું ફળ છે. વચ્ચે વ્યવહાર-દ્રવ્યલિંગ છે ખરું, પણ તે સાધન નથી. વ્યવહાર છે એમ એનું સ્થાપન છે, પણ વ્યવહાર તરીકે. વ્યવહાર જે વચ્ચે (-સાધકદશામાં) હોય છે તેને જાણે-માને નહિ તો જ્ઞાન મિથ્યા છે, ને વ્યવહારને વાસ્તવિક સાધન જાણે ને માને તો તેનું શ્રદ્ધાન મિથ્યા છે. વ્યવહાર વચ્ચે છે ખરો, પણ તે હેય છે, બંધનનું કારણ છે. મુનિરાજ તેને હેયપણે જ જાણે છે, અને પુરુષાર્થની ધારા ઉગ્ર કરતા થકા તેને હેય (-અભાવરૂપ) કરતા જાય છે. હવે જેનો અભાવ કરવો છે તે સાધન કેમ હોય? તે આદરણીય કેમ હોય? ભાઈ! વ્યવહાર છે-બસ એટલું રાખ. તે હિતકર છે એ વાત છોડી દે, એનાથી ધર્મ થાય એ વાત જવા દે.
અહાહા...! આત્મા જાણગ.... જાણગ.... જાણગ સ્વભાવનો પિંડ છે. તેનાં જ્ઞાન- દર્શન-રમણતા તે આત્માની જ્ઞાનક્રિયા છે. તે જ્ઞાન જ એક પોતાથી થાય છે. આ તો ભાષા સાદી છે ભાઈ! ભાવ તો જે છે તે અતિ ગંભીર છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ થવી-બસ એ એક જ સ્વદ્રવ્યથી થાય છે. રાગ- ક્રિયાકાંડ છે એ તો પરદ્રવ્યથી થાય છે; એ પરદ્રવ્ય જ છે. એ (-રાગ) સ્વદ્રવ્યને તો અડતા સુદ્ધાં નથી. સમજાણું કાંઈ...?
એક ભાઈ આવીને કહે -મહારાજ! આ સમયસાર તો આખું હું પંદર દિ’ માં વાંચી ગયો. અરે ભાઈ! તને ખબર છે આ શું ચીજ છે? આ સમયસાર તો પરમ અદભુત ચીજ છે- એમાં તો ત્રણલોકના નાથની વાણીનાં રહસ્યો ભર્યાં છે. તેના શબ્દેશબ્દ