૨૮૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ અપાર અગાધ રહસ્યોથી ભર્યા છે. ભાઈ! આ તો કેવળીની વાણી બાપા! કહે છે-જ્ઞાન- દર્શન-આનંદનું જ થવું આત્માથી થાય છે. રાગનું થવું તે આત્મા નહિ. જ્ઞાનનું થવું તે જ જ્ઞાનસ્વરૂપ છે, આત્મા છે; તે જ મોક્ષમાર્ગ છે ને તે જ (પૂર્ણતા થયે) મોક્ષ છે. ખૂબ ગંભીર વાત ભાઈ!
અહાહા....! ભગવાન! તું અંદર પૂરણ શુદ્ધ જ્ઞાનમાત્ર-ચિન્માત્ર વસ્તુ પરમાત્મા છો. અલ્પજ્ઞતા ને વિપરીતતા તારું સ્વરૂપ નથી. પર્યાયમાં તે અજ્ઞાનવશ ઉભું થયું છે તે તું ભૂલી જા (ગૌણ કરી દે); અને નક્કી કર કે-જ્ઞાન જ એક સ્વદ્રવ્યથી થાય છે. ઝીણી વાત પ્રભુ! છે ને અંદર- ‘इदम् ज्ञानम् एव हि एकम स्वतः’ અહાહા.....! જ્ઞાનસ્વરૂપે થવું, નિર્મળ રત્નત્રયપણે થવું-બસ એક જ આત્મસ્વરૂપ છે. લ્યો, આ ધર્મ ને આ મોક્ષમાર્ગ, અહાહા....! વસ્તુ અંદર કારણપરમાત્મપણે છે, અને તેના આશ્રયે તેના પરિણમનનું કાર્ય થયું તે કાર્યપરમાત્મા છે. લ્યો, આનું નામ ‘એક જ્ઞાન જ આત્માથી છે’ આ તો થોડામાં ઘણું ભર્યું છે. અહો! દિગંબર મુનિવરોએ જગતને ન્યાલ કરી દીધું છે!
અહાહા.....! આનંદનો નાથ અંદર પૂર્ણસ્વરૂપે પડયો છે ને પ્રભુ! પર્યાય જેટલું જ એનું અસ્તિત્વ નથી. મોક્ષની પર્યાય જેટલો પણ એ નથી, એ તો પૂર્ણ ચિદાનંદઘન પરમાત્મા છે. તારા શ્રદ્ધાનને એનો રંગ ચઢાવી દે પ્રભુ! તે શ્રદ્ધાન અને જ્ઞાનનું થવું તે જ જ્ઞાનસ્વરૂપ આત્માનું થવું છે. રાગ તો અન્યદ્રવ્યનું પરિણમન છે, એને જ્ઞાનના થવા સાથે કાંઈ જ સંબંધ નથી. માટે જો મોક્ષની ઈચ્છા છે તો વ્યવહારના ક્રિયાકાંડથી ધર્મ થશે એ વાત જવા દે. આ હિતની વાત છે ભાઈ!
‘જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી; કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે.’
જુઓ, શું કહે છે? કે દ્રવ્યલિંગમાં જેને મમત્વ છે તે અંધ છે, અર્થાત્ સ્વપરનો વિવેક કરનારાં નેત્ર તેને બીડાઈ ગયાં છે, તેમને શુદ્ધ આત્મદ્રવ્યનો અનુભવ જ થતો નથી. દ્રવ્યલિંગથી-ક્રિયાકાંડથી મારું કલ્યાણ થશે એવી માન્યતા આડે તેને પોતાના પરમાત્મસ્વરૂપનો અનુભવ જ થતો નથી.
સાધકને સ્વપરનો વિવેક છે, તેને નિજ સ્વરૂપનું અંદર ભાન વર્તે છે. સાથે જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ આવે છે તેને તે જાણે છે, વ્યવહાર છે બસ