Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3741 of 4199

 

૨૯૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ વિષય તો અશુદ્ધદ્રવ્ય છે, તે પરમાર્થ નથી, અર્થાત્ પરમાર્થે તે મોક્ષમાર્ગ નથી.

સમ્યગ્દ્રષ્ટિને આત્મા ઉપર દ્રષ્ટિ હોય છે. વર્તમાન પર્યાયમાં અલ્પતા છે તેનું તે જ્ઞાન કરે છે અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે હજુ ઘણું કરવાનું બાકી છે એમ તે માને છે, જ્યારે અજ્ઞાની બાહ્ય ત્યાગથી સંતુષ્ટ થઈ મેં ઘણું કર્યું એમ માને છે. તેને સ્વસ્વરૂપની ખબર નથી, તેથી સ્વસ્વરૂપનો ત્યાગી તે મિથ્યાત્વનો જ સેવનારો છે.

‘નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે.’ જોયું? વ્યવહારનયનો વિષય ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી, જ્યારે નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. આમ બે લીટીમાં બે નયના બે વિષય સમાવી પરમાર્થ કહ્યો કે નિશ્ચયનયનો વિષય અભેદ એકરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે માટે તેનો અનુભવ પરમાર્થ છે. અહાહા......! જેને ગાથા ૧૧ માં ભૂતાર્થ કહ્યો તે એક જ સત્યાર્થ પ્રભુ છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે, માટે તે જ પરમાર્થ છે. નિશ્ચયનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો વિષય કહો -તે એક જ છે અને તે જ પરમાર્થ છે.

નિમિત્ત, વ્યવહાર અને પર્યાય તે વ્યવહારનયનો વિષય છે, તે પરમાર્થ નથી. પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ શુદ્ધ ચિદાનંદઘનપ્રભુ અંદર છે તે અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે, તે જ પરમાર્થ છે; કેમકે તેના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે. અરે ભાઈ! આ વ્યવહારના ક્રિયાકાંડ છે એ તો બધી કર્મધારા છે, એ ધર્મધારા નથી. ભૂતાર્થ અભેદ એક જે શુદ્ધદ્રવ્ય તેના આશ્રયે પ્રગટ જે નિર્મળ રત્નત્રય તે જ ધર્મ છે અને તેથી તે જ પરમાર્થ છે. તેથી કહે છે-

‘માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે. (તેથી તેઓ જ મોક્ષને પામે છે).’

અહાહા....! ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કર-એમ ભગવાનની આજ્ઞા છે. અહા! ભગવાન સર્વજ્ઞદેવની આજ્ઞા છે કે-અમારી પણ દ્રષ્ટિ છોડ, અમારી દ્રષ્ટિ કર મા. અંદર તારો પૂર્ણ ભગવાન છે તેને દ્રષ્ટિમાં લે. અમારા પ્રતિ લક્ષ કરીશ તો તને રાગ થશે. જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ નિજ ભગવાન સમયસારને અનુભવતા નથી. મોક્ષપાહુડની ગાથા ૧૬ માં કહ્યું છે કે- ‘परदव्वादो दुग्गइ सद्व्वादो हु सग्गइ होई’ પર તરફની દ્રષ્ટિ કરે તે દુર્ગતિ છે, અને સ્વદ્રવ્યની દ્રષ્ટિથી સુગતિ નામ મોક્ષગતિ છે. અહા! દિગંબર સંતોને કોઈની શું પડી છે? સમાજને ગમે કે ન ગમે, એ તો માર્ગ જેમ છે તેમ કહે છે. અહાહા....! કહે છે-જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે; અર્થાત્ તેઓ જ મોક્ષને પામે છે આવી વાત છે.

*