‘બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો’ -એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ-
‘अतिजल्पैः अनल्पैः दुर्विकल्पैः अलम् अलम्’ બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ; ‘इह’ અહીં એટલું જ કહેવાનું છે કે- ‘अयम् परमार्थः एकः नित्यम् चेत्यताम्’ આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો;.......
અહાહા...! કહે છે- ‘अलम् अलम्’ બસ થાઓ, બસ થાઓ; ઘણું કહેવાથી ને ઘણા બધા વિકલ્પોથી બસ થાઓ. એમ કે બાર અંગનો સાર તો આ જ છે કે -પરમાર્થને એકને જ નિરંતર અનુભવો. લ્યો, ચારે અનુયોગનો આ સાર છે. અહાહા....! પૂર્ણાનંદનો નાથ અભેદ એકરૂપ અંદર ધ્રુવ ત્રિકાળ છે તે એકને જ આલંબો. ભેદની વાત તો ઘણી સાંભળી, હવે એનાથી શું કામ છે? પરમાર્થ એક અભેદને જ ગ્રહણ કરો. અહીં આટલું જ કહેવાનું છે કે-વ્યવહારના દુર્વિકલ્પોથી બસ કરી -થંભી જઈ અભેદ એક શુદ્ધદ્રવ્યને જ નિરંતર અનુભવો.
વચ્ચે ભેદના વિકલ્પ આવે ખરા, પણ એ તો અભેદને જાણવા માટે છે. માટે કહે છે-ભેદના વિકલ્પ મટાડી અભેદ એક નિશ્ચય શુદ્ધ વસ્તુની દ્રષ્ટિ કર, તેને પકડ અને તેનો જ નિરંતર અનુભવ કર. જુઓ, આ કેવળી પરમાત્માને અનંતી શક્તિની વ્યક્તિ પર્યાયમાં પ્રગટ થઈ છે તે અંદર જે છે તે પ્રગટ થઈ છે. તેમ બધી અનંતી શક્તિ ભગવાન! તારામાં ત્રિકાળ પડી છે. તેની દ્રષ્ટિ કર અને તેના આલંબને તેનો જ નિરંતર અનુભવ કર. તેના જ ફળમાં સાદિ-અનંત સમાધિસુખ પ્રગટે છે. અહાહા....! ભગવાન! તું અંદર અનાદિ-અનંત શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છો; તે એકનો જ અનુભવ કર. તેનું ફળ સાદિ- અનંતકાળ આનંદ છે. તેથી કહે છે-સર્વ વિકલ્પ મટાડીને અખંડાનંદ પ્રભુ એકનો જ નિરંતર અનુભવ કરો. હવે તેનું કારણ સમજાવે છે-
‘स्व–रस–विसर–पूर्ण–ज्ञान–विस्फुर्ति–मात्रात समयसारात खलु किञ्चत् न अस्ति’ કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર (-પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજું કાંઈપણ સારભૂત નથી).
અહો! ચૈતન્ય ચમત્કારથી ભરેલી પરમ અદ્ભુત વસ્તુ અંદર આત્મા છે. અંદર વસ્તુ અજબ-ગજબ છે હોં. જેનો ક્યાંય અંત નથી એવું અનંત અનંત વિસ્તરેલું આકાશ છે. તેના અનંતા ક્ષેત્રનું જેમાં જ્ઞાન થઈ જાય એવો અચિંત્ય આત્માનો જ્ઞાનસ્વભાવ છે. અહીં કહે છે- આવા ભગવાન આત્માને એકને જ અનુભવો.