Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3744 of 4199

 

સમયસાર ગાથા-૪૧૪ઃ ૨૯૩

ભોગવવા-એમ બધી રાગની હોળી છે. પરની ક્રિયાનો તો તે કર્તા નથી, પણ સંકલ્પ- વિકલ્પનો કર્તા અજ્ઞાની થાય છે. એને સ્વભાવની અપાર અનંત નિજ વૈભવની ખબર નથી તેથી તે પુણ્ય-પાપના સંકલ્પ-વિકલ્પ કરે છે; બાકી પરનાં કામ તે કરી શકે છે એમ ત્રણકાળમાં નથી.

અહો! નિજરસના વૈભવથી ભરેલો ભગવાન આત્મા પરમ અદ્ભુત વસ્તુ છે. કળશ ૨૭૩ માં આવે છે કે- આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે. બહાર ક્રોડોના મહેલ હોય ને માંહિ લાખોનાં ફર્નીચર હોય તે આ વૈભવ નહિ. એ તો બધી ધૂળ છે બાપુ! એની તો ધૂળ ને રાખ જ થશે. એ તો ભગવાન આત્માને અડતુંય નથી આ તો આત્માનો એવો સહજ અદ્ભુત વૈભવ છે કે અંતર્મુખ જુએ તો મુક્તસ્વરૂપ ભાસે છે, ને બહારમાં નજર કરે તો રાગ ભાસે છે; અંદર જુએ તો અભેદ એકરૂપ ભાસે છે, ને ભેદથી જુએ તો અનેકરૂપ ભાસે છે; અંતર્મુખ જુએ કષાયરહિત શાંતિનો પિંડ ભાસે છે, ને બહારમાં જુએ તો કષાયનો કલેશ ભાસે છે. અહા! આવો આત્માનો અદ્ભુતથી અદ્ભુત મહિમાવંત સ્વભાવ વર્તે છે.

એક જાદુગર એકવાર આવીને કહે-મહારાજ! આ મારી જાદુની વિદ્યા તો માત્ર ચાલાકી છે, ધતીંગ છે. ત્યારે તેને કહ્યું’ તું કે -અરે! આમને આમ જીવન પુરું થઈ જશે ભાઈ! પછી ક્યાં ઉતારા કરશો? આ જાદુ ત્યાં કામ નહિ આવે બાપુ! આવા જાદુમાં શું સાર છે ભાઈ! અહા! આત્માના જાદુ-ચમત્કારની લોકોને ખબર નથી. એની એક સમયની જ્ઞાનની દશા ત્રણકાળ-ત્રણલોકને, તેને અડયા વિના જ જાણે એવો આત્માનો ચમત્કારી સ્વભાવ છે. આત્માના સ્વરૂપનો અનુભવ થાય તે બહારમાં રાગને પણ અડયા વિના થાય છે એવો અદ્ભુત એનો સ્વભાવ છે. અહો! આત્માનું દ્રવ્ય ચમત્કારી, તેના ગુણ ચમત્કારી ને તેની પર્યાય ચમત્કારી છે. સ્વાનુભવની પર્યાયને પણ કોઈનો આધાર નથી. વર્તમાન પર્યાય પૂર્વ પર્યાયના કારણે થઈ નથી, પરના કારણે તે થઈ નથી. ખરેખર તો પર્યાયનું કારણ પોતાના દ્રવ્ય-ગુણ પણ નથી.

વ્યવહારથી નિશ્ચય નથી-એ વાત ઉપરથી આ સ્પષ્ટીકરણ આવ્યું છે. નગ્નદશા અને ૨૮ મૂલગુણનું પાલન -તે વડે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન થાય એમ કદી છે નહિ. બાહ્ય વ્યવહારને તો નિર્મળ પર્યાય સ્પર્શતી નથી, ને વ્યવહારનો જે રાગ છે તે નિર્મળ પર્યાયને સ્પર્શતો નથી. આવો ચિત્ચમત્કાર પ્રભુ આત્માનો મહિમા જયવંત વર્તે છે. અહો! સમયસારમાં દરિયાના દરિયા ભર્યાં છે! એકેક કળશ ને એકેક શબ્દે ગજબનાં રહસ્ય ભર્યાં છે.

અરે! પોતાની ચીજને જાણવાની એણે કોઈદિ’ દરકાર કરી નહિ! બધાં મારાં- શરીર મારું, છોકરાં મારાં, બંગલો મારો-એમ ‘મારાં -મારાં’ ની માથાકૂટ કરીને મરી