૨૯૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ગયો! અરે ભાઈ! જુદાં પડે તે મારાં કેમ હોય અને મારાં હોય તે જુદાં કેમ પડે? વ્યવહારનો રાગ પણ જુદો પડી જાય છે, તે મારો -આત્માનો નહિ.
આવી બહુ ઝીણી વાત બાપુ! હવે બધા બહારના ઉકરડા ઉથામે પણ પોતાનું અમલ અવિનાશી સ્વરૂપ શું છે તે જાણવાની દરકાર ન કરે! સ્વાનુભવની નિર્મળ પર્યાય રાગથી થાય એ વાત તો દૂર રહો, નિર્મળ પર્યાયનું કર્તા સ્વદ્રવ્ય છે એમ પણ ઉપચારથી કહીએ છીએ. આવી વાત! સમજાણું કાંઈ....?
અરે ભાઈ! સાધુપણું કોને કહીએ? એ તો પાંચમી ગાથામાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું કે-“નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ-સર્વજ્ઞદેવ અને અપરગુરુ- ગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યંત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ તેનાથી જેનો જન્મ છે” લ્યો, વિજ્ઞાનઘન જે આત્મા તેમાં અમારા ગુરુ નિમગ્ન હતા એમ કહ્યું, પણ માત્ર નગ્ન હતા ને વ્યવહારમાં મગ્ન હતા એમ ન કહ્યું. ભાઈ! અંતર્નિમગ્ન દશા એ જ વાસ્તવિક સાધુપણું છે. વ્યવહાર હો ભલે, પણ તે મોક્ષમાર્ગ નથી.
અહાહા...! નિજરસથી ભરપુર જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર તે જ એક સારભૂત છે, એના સિવાય બીજું કાંઈ સારભૂત નથી. અહાહા.....! અનંત અનંત શક્તિના વિસ્તારથી પૂર્ણ પ્રભુ આત્મા છે, તેમાં નજર કરી અંતર્નિમગ્ન થતાં અંદર પર્યાયમાં આનંદનાં નિધાન પ્રગટ થાય છે. જેમ પાતાળમાંથી ઝરા ફૂટે તેમ સ્વસ્વરૂપમાં નિમગ્ન થતાં અંદર ચૈતન્યના પાતાળમાંથી અતીન્દ્રિય આનંદના ઝરા ફૂટે છે; આનું નામ સ્વાનુભવ દશા ને આ મોક્ષમાર્ગ ને પૂર્ણ થયે આ જ મોક્ષ છે. આવે છે ને નાટકમાં (સમયસાર નાટકમાં) કે-
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખસરૂપ.
અહાહા...! પર્યાયમાં સ્વસ્વરૂપનું ભાન થયું ત્યારે સમયસાર થયો. આ એ સમયસાર -જે વિજ્ઞાનઘન દશામાં વિજ્ઞાનઘન પ્રભુ જણાયો -એનાથી ઊંચુ કાંઈ નથી, અર્થાત્ એનાથી બીજું કાંઈ હિતકારી નથી.
અરે ભાઈ! આવો મનુષ્ય અવતાર મળ્યો ને રળવું-કમાવું ને ખાવું-પીવું-બસ એમાં જ ઢોરની જેમ અવતાર હાલ્યો જાય! આવે છે ને કે- ‘मनुष्यरूपेण मृगाश्चरन्ति’ - અરે! મનુષ્યના લેબાસમાં જાણે રખડતાં ઢોર! અહીં તો વિશેષ આ કહે છે કે- આ વ્યવહારથી ધર્મ થાય એમ વાત રહેવા દે ભાઈ! અને શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપનો જ અનુભવ કર. વ્યવહાર છે એ તો બાહ્ય નિમિત્તને આધીન રાગની સ્ફુરણા છે, એ કાંઈ જ્ઞાનની-ચૈતન્યની સ્ફુરણા નથી. આકરી વાત! લોકોમાં