Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3746 of 4199

 

સમયસાર ગાથા-૪૧૪ઃ ૨૯પ

ખળભળાટ થઈ જાય; એમ કે અમે વ્રત પાળીએ, ઉપવાસાદિ તપ કરીએ, બ્રહ્મચર્ય પાળીએ-ઈત્યાદિ બધું કાંઈ નહિ. એ બધું કાંઈ નહિ બાપુ! આવું તો બધું અનંત વાર કરી ચૂક્યો છે. અરે! નવમી ગ્રૈવેયકના સ્વર્ગમાં જાય એવા શુક્લ લેશ્યાના પરિણામ પણ અનંત વાર કરી ચૂક્યો છે બાપુ! પણ અંતરમાં જ્ઞાનની સ્ફુરણામાત્ર સ્વાનુભવ વિના બધું જ ફોગટ. જુઓને કહે તો છે કે- न खलु समयसारात् उत्तरं किञ्चत् अस्ति’ - જ્ઞાનની પ્રસ્ફુરણા થવામાત્ર જે સમયસાર તેનાથી ઊંચું લોકમાં કાંઈ નથી. સમજાણું કાંઈ....?

* કળશ ૨૪૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજું કાંઈ પણ સારભૂત નથી.’

‘પૂર્ણજ્ઞાનસ્વરૂપ’ -એમ કહીને ભગવાન આત્મા અનંતગુણનું વાસ્તુ પૂર્ણ-પરિપૂર્ણ છે-એમ બતાવવું છે. અહા! આવી નિજ ચૈતન્યસત્તાનો, કહે છે, નિજ પર્યાયમાં અનુભવ કરવો પૂર્ણ ચિદાનંદઘન પ્રભુ પોતે છે તેનો અનુભવ કરવો તે સાર છે, આ સિવાય બીજું કાંઈ સારભૂત નથી. આ બાગ-બંગલા ને જર-ઝવેરાત એ તો બધી ધૂળ જ છે, પણ આ વ્યવહાર રત્નત્રય, પંચમહાવ્રતના પરિણામ ને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ને શાસ્ત્રજ્ઞાન ઈત્યાદિ કાંઈ સારભૂત નથી-એમ કહે છે. સમજાણું કાંઈ...? લ્યો, આ એક લીટીમાં આખું સમયસાર આવી ગયું.

હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્ય ભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છેઃ-

*
* કળશ ૨૪પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘आनन्दमयम् विज्ञानघनम् अध्यक्षतां नयत्’ આનંદમય વિજ્ઞાનઘનને (-શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું ‘इदम् एकम् अक्षयं जगत्–चक्षुः’ આ એક (- અદ્વિતીય) અક્ષય જગત-ચક્ષુ (-સમય પ્રાભૃત) ‘पूर्णताम् याति’ પૂર્ણતાને પામે છે.

આ દેહ-દેવળમાં સ્થિત, દેહથી ભિન્ન ભગવાન આત્મા અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપે વિરાજે છે. અહાહા...! જેની સત્તામાં સ્વપર અનંતા પદાર્થો જણાય છે તે કેવડો ને કેવો છે? તો કહે છે-જાણગ... જાણગસ્વભાવી પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આનંદમય છે, સચ્ચિદાનંદમય છે. અહાહા....! સત્ નામ શાશ્વત ચિત્ અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદમય છે. વર્તમાન દશામાં જે વિપરીત વિકારના ભાવ છે એ તો કૃત્રિમ ઉભા થયેલા છે, જ્યારે ભગવાન આત્મા તો અંદર અકૃત્રિમ ત્રિકાળ જ્ઞાન ને આનંદની મૂર્તિ સદાય વિરાજમાન છે.