૨૯૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જાય. પુણ્ય-પાપના ભાવની વાસના ઉઠે એ તો સ્વભાવથી વિપરીત ભાવ છે ને દુઃખરૂપ છે. આ તો જેમ સક્કરકંદ, ઉપરની લાલ છાલ ન જુઓ તો, એકલો મીઠાશનો પિંડ છે, તેમ ભગવાન આત્મા, પુણ્ય-પાપથી રહિત, શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ છે. ઓહો! વિકારથી ભિન્ન અંદર આનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ શાશ્વતપણે વિરાજમાન છે.
ભાઈ! આ પુણ્ય-પાપના ભાવ તે તું-આત્મા નહિ. આ નાનાં બાળકો શેરણું નથી કરતા? બાળકની મા હોય તે ખૂબ ધરાઈને દૂધ પીવડાવે, એટલે બાળકને શેરણું થઈ જાય. બિચારો શેરે ને શરીર ઉઘાડું હોય એટલે ઠંડું લાગે ને પછી એમાં હાથ નાખીને હાથ ચાટે. સ્વાદ આવે ને મીઠો! એમ ભાઈ! પુણ્ય-પાપના ભાવ તને ઠીક પડે છે પણ એ તો શેરણા જેવા છે. અરે! બાળ-અજ્ઞાની જીવો તેને ભલા જાણે છે! આકરી વાત બાપા! અહીં કહે છે-ભગવાન આત્મા પુણ્ય-પાપની વૃત્તિથી ભિન્ન અતીન્દ્રિય અનાકુળ આનંદનો પિંડ છે.
આ દેહ છે એ તો જડ માટી-ધૂળ છે, સ્ત્રીનો દેહ છે તે પણ જડ માટી-ધૂળ જ છે. તેને હું ભોગવું છું એમ તું માને પણ તેને તું ભોગવી શકતો જ નથી, કેમકે તે રૂપી અને તું અરૂપી છો. ઝીણી વાત ભાઈ! એ તો આ સ્ત્રીનો દેહ સુંદર છે એમ તેમાં ઠીકપણું માની તું તે પ્રતિ રાગ કરે છે એ રાગને ભોગવે છે, શરીરને નહિ. પણ બાપુ! એ રાગનો અનુભવ તો દુઃખનો અનુભવ છે. વિષયભોગના ભાવ એ દુઃખનો અનુભવ છે ને શુભભાવ-પુણ્યભાવ પણ દુઃખરૂપ જ છે. અંદર આત્મા એકલું અતીન્દ્રિય આનંદનું દળ છે. બાકી આ પૈસા-બૈસામાં સુખ છે એમ તું માન, પણ ધૂળેય સુખ નથી ત્યાં. આ પૈસાવાળા બધા માને કે અમે ધનપતિ-અબજપતિ, પણ એ તો ધૂળેય ધનપતિ નથી સાંભળને. એ તો જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ જડના પતિ જડપતિ છે. અરે! પોતે અંદર કોણ છે એની એને ખબર નથી.
અહાહા.....! ભગવાન! તું તો ચૈતન્યલક્ષ્મીનો ભંડાર છો ને પ્રભુ! અતીન્દ્રિય આનંદરસનો કંદ પ્રભુ તું છો. આનંદ માટે બહાર જોવું પડે એવું તારું સ્વરૂપ નથી. અંદર સ્વરૂપ આનંદમય છે તેમાં દ્રષ્ટિ-રમણતા કરતાં જ અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. અહા! આમ આનંદનું વેદન કરવું એનું નામ ધર્મ છે. બાકી બધું તો થોથાં છે; કોઈની દયા પાળે, ને ગરીબોની સેવા કરે ને ધર્મ થઈ જાય એવું ધર્મનું સ્વરૂપ નથી.
અહીં ‘આનંદમય’ અને ‘વિજ્ઞાનઘન’ - એમ બે શબ્દ કહ્યા છે. અહાહા....! જ્ઞાન ને આનંદનું ધોકળું પ્રભુ આત્મા છે. વિજ્ઞાનઘન કહ્યો ને? ચૈતન્યપ્રકાશનો-જ્ઞાન- પ્રકાશનો પુંજ પ્રભુ આત્મા છે. તે સમયસાર છે. સમ્ + अय + સાર = સમયસાર. સમ્