એટલે સમ્યક્ પ્રકારે, અય્ નામ જાણવાપણે પરિણમે તે અને સાર નામ શરીર, કર્મ ને વિકારથી ભિન્ન એવો આત્મા તે સમયસાર છે. સમજાણું કાંઈ....?
આ તો ભગવાન સમયસારની ભાગવત કથા બાપા! કહે છે-સમયસારને પ્રત્યક્ષ કરતું આ એક અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ પૂર્ણતાને પામે છે. આ શાસ્ત્ર તો શબ્દો છે. એ શબ્દો કોને પ્રત્યક્ષ કરે છે-બતાવે છે? તો કહે છે-ભગવાન સમયસારને શુદ્ધ ચૈતન્યમય આત્માને બતાવે છે. જેમ સાકર શબ્દ છે તે સાકર પદાર્થને બતાવે છે તેમ શાસ્ત્ર છે તે વિજ્ઞાનઘન આનંદમય પ્રભુ આત્માને બતાવે છે.
અમારે તો સત્તર વર્ષની ઉંમરથી જ શાસ્ત્રનો અભ્યાસ છે. પાલેજમાં પેઢી ઉપર બેસીને પણ શાસ્ત્રાભ્યાસ જ કરતા. પૂર્વના સંસ્કાર હતા, ને આ સમયસાર મળ્યું. પછી શું કહેવું? સમયસાર વાંચ્યું ને લાગ્યું કે આ કોઈ જુદી અલૌકિક ચીજ છે. આનંદના નાથને બતાવનારું આ અલૌકિક શાસ્ત્ર છે. આમાં (બતાવેલા) મારગડા કોઈ જુદા છે પ્રભુ!
અહાહા....! આનંદઘન વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છે. તેનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન- સ્વસંવેદન કરવું એનું નામ ધર્મ છે. અહા! આવો અલૌકિક માર્ગ આ શાસ્ત્ર બતાવે છે. અહા! અજ્ઞાનીને આત્મા માપતાં (-જાણતાં) આવડતું નથી. જેમ કાપડનો તાકો બાળકના હાથથી ન મપાય તેમ બાળ-અજ્ઞાનીના માપથી આત્મા ન મપાય (-જણાય). ભાઈ! રાગથી (-વ્યવહારના રાગથી) જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્માનું માપ ન થઈ શકે; એક જ્ઞાનની નિર્મળ સ્વસંવેદનની દશામાં જ તેનું માપ થઈ શકે. અહા! આવો અલૌકિક માર્ગ આ શાસ્ત્ર બતાવે છે. અહો! વીતરાગ જૈન પરમેશ્વરે કહેલાં શાસ્ત્રો અદ્ભુત અદ્વિતીય છે, તેઓ એક પરમ શુદ્ધ ચૈતન્યતત્ત્વને દેખાડે છે.
કેવું છે આ સમય પ્રાભૃત? તો કહે છે- અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ છે. ‘इदम् एकम् अक्षयं जगत–चक्षुः’ અહાહા....! આ સમયસાર પરમ અતિશયયુક્ત એક-અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ છે. જગતના-વિશ્વના સ્વરૂપને યથાસ્થિત દેખાડે છે ને. અહા! જેમ આત્મા લોકાલોકને જાણનાર-દેખનાર અદ્વિતીય જગતચક્ષુ છે, તેમ લોકાલોકને દેખાડનાર આ શાસ્ત્ર અદ્વિતીય જગતચક્ષુ છે. અહા! ભગવાન ત્રિકાળી ધ્રુવને જાણનારું જ્ઞાન જગતચક્ષુ છે, તેમ ભગવાન ત્રિકાળી ધ્રુવને બતાવનારું આ શાસ્ત્ર જગતચક્ષુ છે. આત્મા જગતચક્ષુ છે, તેને આ શાસ્ત્ર બતાવે છે માટે આ શાસ્ત્ર જગતચક્ષુ છે; અદ્વિતીય જગતચક્ષુ છે, મતલબ કે બીજાં કલ્પિત શાસ્ત્ર ભગવાન આત્માને બતાવતાં નથી તેથી આ અજોડ છે. આ તો સકલશાસ્ત્ર બાપા! સત્શાસ્ત્રોમાં પણ મહા અતિશયવાન! વળી જેમ ભગવાન આત્મા અક્ષય છે તેમ તેને બતાવનારું આ પરમાગમ અક્ષય છે. ભગવાન જૈન પરમેશ્વરની વાણી (પ્રવાહરૂપથી) અક્ષય છે. આવી વાત!