૨૯૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
આવું આ સમયપ્રાભૃત પૂર્ણતાને પામે છે. એટલે શું? કે આમાં ૪૧પ ગાથા છે. ૪૧૪ ગાથા પછી હવે આ શાસ્ત્રનું ફળ દર્શાવીને શાસ્ત્ર પૂરું થાય છે. અહાહા....! જ્ઞાનાનંદસ્વરૂપ અંદર આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તેનું ભાન પ્રગટ કરીને તેમાં જ સ્થિર થાય તેને પૂર્ણ પરમાત્મપદની-પરમપદની પ્રાપ્તિ થાય છે. લ્યો, શાસ્ત્ર પૂરું થઈ ગયું, અને અંદર સ્વાનુભવ પ્રગટ કર્યો તેને પણ પૂર્ણની પ્રાપ્તિ થઈ ગઈ! આ તો અસાધારણ અતિશયવાન શાસ્ત્ર ભાઈ! તેનો શ્રોતા મુમુક્ષુ પણ અંદર પૂર્ણાનંદનો નાથ છે તેમાં ધ્યેય કરીને મગ્ન થયો, અને તેને પૂર્ણસ્વરૂપની ઉપલબ્ધિ થઈ ગઈ. શાસ્ત્ર કહે છે- તારો નાથ અંદર બધી વાતે પૂરો છે, કોઈ વાતે અધુરો નથી. જિજ્ઞાસુ સ્વરૂપમાં ગયો ને તે પર્યાયમાં પણ પૂર્ણ થઈ ગયો. લ્યો, આ વાત અહીં કહેવા માગે છે. સમજાય છે કાંઈ....?
‘આ સમયપ્રાભૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે-બન્ને પ્રકારે જગતને અક્ષય (અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે. કારણ કે જેમ નેત્ર ઘટપટાદિકને પ્રત્યક્ષ દેખાડે છે તેમ સમયપ્રાભૃત આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે.’
અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો સ્વાનુભવ ને પ્રતીતિ થયાં તેને પૂરણ સર્વજ્ઞપદની પ્રાપ્તિ થાય જ છે. અહા! આવું પૂર્ણ આત્મપદ જેમ જગતનું અક્ષય અદ્વિતીય નેત્ર છે તેમ એવા આત્માને બતાવનારું આ સમયપ્રાભૃત શાસ્ત્ર પણ જગતનું અક્ષય અદ્વિતીય નેત્ર છે.
આ નેત્ર ઘટ-પટ પદાર્થોને પ્રત્યક્ષ દેખાડે છે ને? નેત્ર દેખાડે છે એ તો એમ કહેવાય; બાકી આ બે નેત્ર છે એ તો જડ માટી-ધૂળ છે, અંદર દેખનાર જાણનાર તો ભિન્ન ચૈતન્ય પ્રભુ છે. જેની સત્તામાં ઘટ-પટાદિ જણાય છે એ તો ચૈતન્ય પ્રભુ છે, ને નેત્ર તો નિમિત્તમાત્ર છે. નિમિત્તથી કહેવાય કે નેત્ર ઘટપટાદિને દેખાડે છે. અહીં કહે છે- તેમ આ સમયપ્રાભૃત શાસ્ત્ર પણ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે. જોયું? આત્મા સ્વાનુભવપ્રત્યક્ષ જણાય છે અર્થાત્ સ્વસંવેદ્ય છે, વિકલ્પગમ્ય નથી એમ શાસ્ત્ર બતાવે છે. શાસ્ત્ર આત્માનું સ્વરૂપ દેખાડે છે, પણ શાસ્ત્રના શબ્દમાં આત્મા નથી, શબ્દજ્ઞાનથી આત્મા જણાશે એમ નહિ, આત્મા તો સ્વાનુભવ-ગમ્ય જ છે. આ ન્યાય- લોજીક છે. ભાઈ! લૌકિક ભણતરમાં વર્ષો કાઢે છે તો આમાં તો થોડો વખત કાઢ, તારું હિત થશે.