૩૦૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
શું કહે છે - કે ‘સમયસારભૂત’ અર્થાત્ છતી સર્વોત્કૃષ્ટ ચીજ અંદર ભગવાન પરમાત્મા છે તે પરમસ્વરૂપ છે. અહાહા....! જિનસ્વરૂપ ભગવાન અંદર ત્રિકાળ મોજુદપણે વિરાજે છે. અહા! જેમ ઘડામાં જળ ભર્યું હોય તેમ જ્ઞાન ને આનંદથી ભરેલો આત્મા નિરંતર જિનસ્વરૂપે વિરાજમાન છે. હવે પોતાને રાંકો થઈ ગયેલો માને તે વિષયના ભિખારીને આ કેમ બેસે? સરખાઈની બીડી પીવે કે ચાનો કપ પીવે ત્યારે તો ભાઈ સાહેબને ચૈન પડે- હવે એવા જીવોને કહીએ કે-ભાઈ! તું આત્મા શાંતિનો સાગર નિત્ય ચિદાનંદસ્વરૂપી ભગવાન છો-એ એને કેમ બેસે? પણ બાપુ! આત્મા શુદ્ધ ચૈતન્યમય સદા પરમસ્વરૂપ પ્રભુ છે. તેની દ્રષ્ટિ કરે તે સમ્યગ્દ્રષ્ટિ જૈન છે. બાકી દયા, દાન આદિના રાગથી-પુણ્યથી ધર્મ માને તે જૈન નથી, અજૈન છે. જૈન કોઈ સંપ્રદાય નથી ભાઈ! શરીર અને રાગના ક્રિયાકાંડ એ જૈનપણું નથી બાપુ! એની એકતા તૂટી જાય અને સ્વસ્વરૂપની -પરમસ્વરૂપની એકતા થઈ જાય ત્યાંથી જૈનપણું શરું થાય છે.
અહીં કહે છે- સમયસારભૂત પરમસ્વરૂપ -પરમાત્મસ્વરૂપ એવો આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. અહાહા....! ચૈતન્યના નૂરનું પૂર એવો ભગવાન આત્મા સ્વપરસહિત સંપૂર્ણ ત્રિકાળવર્તી લોકાલોકનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. અહાહા...! જાણવું.... જાણવું.... જાણવું.... એમ જાણવાના પ્રવાહનું પૂર પ્રભુ આત્મા છે; તે સંપૂર્ણ વિશ્વનો પ્રકાશક છે. પ્રકાશક એટલે જાણનારો હોં, જગતની કોઈ ચીજનો કરનારો-કર્તા નહિ. ભાઈ! કોઈ પર પદાર્થની ક્રિયા કરી શકે એવો આત્માનો સ્વભાવ નથી, એવું એનું સામર્થ્ય નથી. રાગ આવે એનો પણ એ જ્ઞાતા છે. આ પ્રમાણે ભગવાન આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે.
આત્મા વિશ્વસમય છે. વિશ્વમાં અનંતા પદાર્થો છે. તે અનંત અનંતપણે પોતાના કારણે રહ્યા છે; જો પરના કારણે હોય તો અનંતપણું ન રહે. વિશ્વ એટલે અનંતા દ્રવ્યો- તેના પ્રત્યેકના અનંત-અનંત ગુણ અને તેની અનંત-અનંત પર્યાયો -આ બધું પોતપોતાના કારણે છે. બધું સ્વ-તંત્ર છે, અને ભગવાન આત્મા એ બધાનો પ્રકાશક છે, જાણનારમાત્ર છે, કરનારો -કર્તા નહિ. આવો જ્ઞાનાનંદરૂપ લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. સમજાણું કાંઈ...? ‘કાંઈ’ એટલે કઈ પદ્ધતિએ કહેવાય છે તેની ગંધ આવે છે? પૂરું સમજાઈ જાય તો ન્યાલ થઈ જાય એવું છે.
આત્મા વિશ્વને પ્રકાશતો હોવાથી વિશ્વસમય છે, અને તેનું પ્રતિપાદન કરતું હોવાથી આ શાસ્ત્ર શબ્દબ્રહ્મ સમાન છે. પરબ્રહ્મસ્વરૂપ પરમાત્માનું પ્રતિપાદન કરનારા આ શબ્દો શબ્દબ્રહ્મ સમાન છે. ભગવાનની વાણી પૂર્ણ શબ્દબ્રહ્મ છે. તેમ આ શાસ્ત્ર શબ્દબ્રહ્મનો અંશ હોવાથી શબ્દબ્રહ્મ સમાન છે.