આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ પુરા વિશ્વનો જાણનાર છે, અને આ શાસ્ત્ર પુરા તત્ત્વનું પ્રતિપાદન કરનાર છે તેથી શબ્દબ્રહ્મ સમાન છે. આવા આ શાસ્ત્રને પોતાના હિતના લક્ષે ભણવું જોઈએ એમ વાત છે. અરે! એ લૌકિક ભણતર- આ ડાકટરનું ને ઈજનેરનું, ને વકીલનું ને વેપારનું ભણી ભણીને એ મરી ગયો! ભાઈ! લૌકિક ભણતર આડે તું નવરો ન થાય પણ એમાં તારું અહિત છે; એનાથી તને અનંત જન્મ-મરણ થશે ભાઈ! એટલે કહે છે -હિતના લક્ષે આ પરમાર્થ શાસ્ત્રને ભણવું જોઈએ. બીજાને દેખાડવા કે પંડિતાઈ પ્રગટ કરવા માટે નહિ હોં; એક સ્વહિતના લક્ષે જ ભણવું જોઈએ. ભણીને શું કરવું? તો કહે છે- આ શાસ્ત્ર ભણીને હું -આત્મા ચૈતન્યપ્રકાશમય છું એવો નિર્ણય કરવો જોઈએ. અહાહા....! લોકાલોકને જાણવાના સામર્થ્યરૂપ પરમાર્થભૂત ચૈતન્યપ્રકાશનો પુંજ હું આત્મા છું એમ અંતરમાં નિર્ણય કરવો જોઈએ. ભાઈ! આ તો ભવનો અભાવ કરવાની પરમ હિતની વાત છે. આ ભવનું મૂળ એક મિથ્યાત્વ છે. શાસ્ત્ર ભણીને નિજ સ્વરૂપનો નિર્ણય કરવો તે મિથ્યાત્વને ટાળવાનો ઉપાય છે. સ્વસ્વરૂપનો નિર્ણય કરવો એ જ એનો સાર છે.
‘અર્થ અને તત્ત્વથી જાણીને’ -એમ કહ્યું ને? એટલે શું? કે આત્મા ત્રિકાળી વસ્તુ તે અર્થ છે, અને તેનો જ્ઞાનસ્વભાવ તે તત્ત્વ છે. જેમ સોનું છે તે અર્થ કહેવાય, અને તેનાં પીળાશ, ચીકાશ, વજન ઈત્યાદિ તે તત્ત્વ કહેવાય. આત્મા ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે અર્થ છે, અને જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા ઈત્યાદિ ગુણ-સ્વભાવ તે તત્ત્વ છે. અર્થનું તત્ત્વ એટલે વસ્તુ-દ્રવ્ય તેનો ભાવ. ભાવવાન વસ્તુ તે અર્થ અને તેનો ભાવ તે અર્થનું તત્ત્વ છે. અહા! હિત કરવું હોય તેણે આ ભાવ સહિત જે ભાવવાન એવું નિજ દ્રવ્ય તેનો નિર્ણય કરવો પડશે. ભાઈ! આ કોઈ કથા નથી બાપુ! આ તો પૂર્ણાનંદના નાથના સ્વરૂપની જે વાત ભગવાનની દિવ્યધ્વનિમાં આવી ને શ્રી ગણધરદેવે જે દ્વાદશાંગમાં કહી તે આ વાત છે. આવે છે ને બનારસી વિલાસમાં-
રચી આગમ ઉપદેશ, ભવિક જન સંસય નિવારૈ;
લ્યો, આ તો ઉપદેશ સૂણી ભવ્ય જીવો સંશય નિવારે છે, મિથ્યાત્વનો નાશ કરે છે એની આ વાત છે. ગાથામાં કહે છે ને કે- જે ભવ્ય જીવ આ સમયપ્રાભૃત ભણીને, અર્થ અને તત્ત્વથી જાણીને તેના અર્થમાં સ્થિત થશે તે ઉત્તમ સૌખ્યરૂપ થશે. અહો! આવું અલૌકિક આ શાસ્ત્ર-પરમાગમ છે.
આત્મા વસ્તુ અર્થ છે, ને જ્ઞાન તેનું તત્ત્વ છે. અહીં કહે છે- તેને જાણીને, તત્ત્વ સહિત અર્થને જાણીને, અર્થમાં ઠર; તારી દશા ઉત્તમ આનંદમય થઈ જશે. અરે! લોકો - અજ્ઞાનીઓ ઈન્દ્રિયના વિષયમાં સુખ માને છે પણ તે સુખ નથી. ઈન્દ્રિયના