૩૦૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ વિષય તો એકલું ઝેર છે બાપા! શું કહીએ? તને મિથ્યાત્વનાં-મિથ્યા શ્રદ્ધાનનાં કાતિલ ઝેર ચઢી ગયાં છે. જેમ સાપનું કાલકૂટ ઝેર ચઢયું હોય તેને કડવા લીમડાનો સ્વાદ મીઠો લાગે છે, તેમ તને મિથ્યાત્વનાં ઝેર ચઢી ગયાં છે એટલે ઝેર જેવા દુઃખદાયક વિષયો પણ મીઠા લાગે છે, અને બહારના પદાર્થોમાં સુખની કલ્પના કરે છે. પણ ભાઈ! અંદર જો તો ખરો! એકલા સુખનો-આનંદનો સમુદ્ર લહેરાઈ રહ્યો છે. તેનો નિર્ણય કરી તેમાં ઠર તો આનંદરૂપે પરિણમીશ.
અહા! ‘ભાઈ તો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો-ભાઈ! હાલ’ -એમ કહીને બાળકને એની મા મીઠા હાલરડાં ગાઈને ઘોડિયામાં સુવાડે છે, તેમ અહીં સંત-મુનિવરો ‘ભગવાન આત્મા’ કહીને એને જગાડે છે. ‘જાગ રે જાગ નાથ! હવે ન સૂવું પાલવે’ અહાહા....! જાગવાનો આ અવસર આવ્યો છે ભગવાન! હમણાં નહીં જાગે તો ક્યારે જાગીશ? સમયસારભૂત તું ભગવાન આત્મા છો, તારામાં પૂર્ણ પરમાત્મશક્તિ ભરી પડી છે. ઓહો! તું જ્ઞાન, ને આનંદ ને વીર્ય ઈત્યાદિ અનંત ગુણમણિરત્નોનો અંદર ડુંગર ભરેલો છો. અંદર જુએ તો ખબર પડે ને? તેનો નિર્ણય કર ભાઈ! હમણાં જ નિર્ણય કર.
હા, પણ તેમાં નવતત્ત્વ તો ન આવ્યાં? અરે! ભાઈ! આત્માનો નિર્ણય કરે છે તેમાં નવે તત્ત્વનો નિર્ણય આવી જાય છે. પુણ્ય-પાપના આચરણ અને બંધના ભાવ તે ભગવાન આત્માના અસ્તિત્વમાં નથી. આત્માના અસ્તિ સ્વરૂપનો નિર્ણય કરતાં તેમાં જે નથી તેનો નિર્ણય પણ ભેગો આવી જાય છે. આત્મા દ્રવ્ય અને તેનું તત્ત્વ નામ ભાવ-એને જાણીને નિર્ણય કરતાં અન્ય નાસ્તિરૂપ પદાર્થોનો તેમાં નિર્ણય આવી જાય છે.
‘तत्त्वार्थ श्रद्धानम् सम्यग्दर्शनम्’ એમ સૂત્ર છે ને! એનો અર્થ શું? એનો અર્થ એ કે -તત્ત્વ નામ ભાવસહિત અર્થ નામ ભાવવાન પદાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાય તે અર્થ છે. તત્ત્વ નામ તેનો સ્વભાવ શું છે તે જાણીને (પદાર્થનું) શ્રદ્ધાન કરવું તેનું નામ સમ્યગ્દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું તત્ત્વ જાણી, તત્ત્વ સહિત અર્થનું શ્રદ્ધાન-જ્ઞાન કરવું તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા સ્વપરને જાણવાના સ્વભાવવાળું જ્ઞાનમાત્રભાવસ્વરૂપ તત્ત્વ છે. પર અને રાગ એના સ્વરૂપમાં નથી. પર અને રાગને પોતાના માનવા એય એનું સ્વરૂપ નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ! મિથ્યાભાવ એ આત્મપદાર્થમાં નથી. એ તો પર્યાયમાં નવો જ ઊભો થયેલો વિભાવ નામ વિપરીત ભાવ છે. આમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય તેના તત્ત્વસહિત યથાર્થ જાણવા. અર્થ એટલે પદાર્થને તેના તત્ત્વ નામ ભાવ-સ્વભાવ સહિત જાણવો તે યથાર્થ જ્ઞાન છે. આમ પદાર્થને જાણીને ઠરવું શેમાં! તે હવે કહે છે-