૩૧૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે, પણ વેદન-સંવેદન તો પોતાના સ્વરૂપનું કરે છે. અહા! આ છેલ્લો કળશ એકલો માલ-માલ છે.
અહાહા....! ભગવાન તું જ્ઞાનસ્વરૂપ છો. જ્ઞાનમાં પરજ્ઞેય જણાય છે ત્યાં ખરેખર પરનું વેદન-નથી, પણ પરસંબંધી જે પોતાનું જ્ઞાન થયું છે તેનું વેદન છે. પોતાનું જ આ રીતે સંવેદન છે. પોતામાં જ પોતે રહીને પોતાને જાણે છે, પર તો એમાં જણાઈ જાય છે બસ. વાસ્તવમાં પરનું વેદન છે નહિ. લ્યો, આનું નામ સ્વસંવેદ્ય છે. શું? કે પોતે પરથી જણાય નહિ. પણ પોતાથી સ્વસંવેદનમાં જ જણાય છે; અને પોતાને પરનું વેદન-સંવેદન નથીં, પણ સ્વસંવેદન જ છે. આવી ઝીણી વાત છે.
હવે આવું સમજવાની બિચારાને ફુરસદ નહિ ને લાખો રૂપિયા રળવા-કમાવામાં વખત વિતાવે પણ એમાં શું છે? એ લાખો શું અબજો હોય તોય ધૂળની ધૂળ છે. એને તું પોતાની ચીજ માને એ મોટો ભ્રમ છે અને એનું ફળ ચારગતિનું પરિભ્રમણ છે. અહીં કહે છે-પર ચીજ તારી છે એ વાત તો દૂર રહો, પર ચીજથી તારું જ્ઞાન થયું છે એમ તું માને એય મોટો ભ્રમ છે. જ્ઞાનમાં પોતાથી જ સ્વપરને જાણવાની તાકાત છે. પરની હયાતી છે માટે આત્મા પરપ્રકાશક છે એમ નથી. પોતાથી જ જ્ઞાન થવા યોગ્ય એવો પોતે સ્વસંવેદ્ય છે. પોતાથી પોતે વેદન કરવાયોગ્ય છે; પરથી વેદન નહિ, ને પરનું વેદન નહિ એવો ભગવાન આત્મા સ્વસંવેદ્ય છે. પરજ્ઞેયને જાણવા કાળે પણ જ્ઞેયાકારે પરિણમેલા પોતાના જ્ઞાનનું જ વેદન છે, પરજ્ઞેયનું નહિ. આવું પોતાનું તત્ત્વ છે ભાઈ!
ઓહો! ભગવાન કુંદકુંદાચાર્યદેવે બનાવેલું આ કોઈ અલૌકિક શાસ્ત્ર છે. કહે છે- આત્માનું તત્ત્વ સ્વસંવેદ્ય છે. અહા! સ્વપરને પૂર્ણ જાણે છતાં પરને વેદતું નથી. પોતે પોતાથી જ વેદનમાં આવે એવું નિજ તત્ત્વ સ્વસંવેદ્ય છે. પોતે પોતામાં રહીને પોતાને જાણે છે એમાં પરનું જ્ઞાન આવી જાય છે, એને વાસ્તવમાં પરનું વેદન-સંવેદન નથી. આવી વાત! સમજાણું કાંઈ...?
હવે કહે છે-આત્માનું તત્ત્વ અબાધિત છે, અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી. કોઈ મિથ્યાયુક્તિ વડે ગમે તે કહે, પણ અંતઃતત્ત્વને એનાથી કોઈ બાધા પહોંચતી નથી. જુઓ. આફ્રિકામાં ગયા હતા. ત્યાં નૈરોબીમાં સાડા ચારસો ક્રોડપતિ છે, ને પંદરેક અબજોપતિ છે. એ બધા ક્રોડ ને અબજ શું છે? એ તો ધૂળ છે બાપુ! એ ક્રોડપતિ ને અબજોપતિ બધા ધૂળપતિ છે. ત્યાં એક શ્વેતાંબર ભાઈએ પ્રશ્ન કર્યો કે-મહારાજ! આ દિગંબરો છે તે અમારા (-શ્વેતાંબરના) મંદિરે આવતા નથી, ભગવાનના દર્શન કરતા નથી. શું એ ઠીક છે? હવે ત્યાં એ મિથ્યા અભિનિવેશ સહિત હોય તેને સીધું તો કેમ કહીએ કે તમારું બધું ખોટું છે? એટલે કહ્યું કે ભાઈ!