ચારિત્રરૂપ ધર્મ છે. લ્યો, આનું નામ ધર્મ! બાકી તો એણે અનંતવાર મુનિવ્રત ધારણ કીધાં, ૨૮ મૂલગુણ પાળ્યા અને અગિયાર અંગનાં ભણતર પણ કીધાં, પણ એ કોઈ ચીજ નથી, પોતે શું મહાન ચીજ છે તે જાણ્યા-અનુભવ્યા વિના બહારની ક્રિયા બધી થોથાં જ છે. છહઢાલામાં આવે છે ને કે-
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.
હવે કહે છે- વળી જ્ઞાનમાત્ર આત્માનું તત્ત્વ અચળ છે. એટલે શું? કે જ્ઞાનરૂપથી આત્માનું સ્વતત્ત્વ ચળતું નથી, અર્થાત્ જ્ઞાનરૂપ મટીને પરજ્ઞેયરૂપ વા જડરૂપ થઈ જતું નથી, સદાય જ્ઞાનરૂપ જ રહે છે. ઓહો! રાગાદિ અનંતા પર પદાર્થોને ભગવાન આત્મા જાણે છે છતાં તે જ્ઞાનસ્વરૂપથી ચલિત થઈ રાગાદિ પરપદાર્થરૂપ થઈ જતું નથી. આત્મા સદાય પોતાના જ્ઞાનસ્વરૂપે જ રહે છે. આવી વાત છે. અહા! ધર્મના નામે લોકો બહારમાં કંઈક ને કંઈક (ક્રિયાકાંડ) ચલાવ્યે રાખે છે અને તેની જ અનુમોદના કરી પુષ્ટિ કર્યા કરે છે, પણ એ તો બધું અજ્ઞાન છે ભાઈ!
આ તો વીતરાગનો માર્ગ છે બાપુ! ભગવાન કહે છે- આત્મા અચળ છે; પોતાના જ્ઞાનસ્વરૂપથી ચલિત થતો નથી. અહાહા...! પરપદાર્થોને તે જાણે પણ કદી પરરૂપ થઈ જતો નથી. જેમ અરિસામાં સામે અગ્નિ હોય તે અરિસામાં દેખાય, પણ કાંઈ અરિસો અગ્નિમય થયો નથી. જે દેખાય છે તે તો અરિસાની જ અવસ્થા છે, તે અવસ્થા અગ્નિની નથી, ને અગ્નિના કારણે થઈ છે એમ પણ નથી. અગ્નિ નિમિત્ત હો ભલે, પણ અગ્નિએ કાંઈ અરિસાની અવસ્થા કરી નથી તેમ ભગવાન આત્મા જ્ઞાનઅરિસો છે. લોકાલોકને જાણે એવું તેની પર્યાયનું સ્વરૂપ છે. જ્ઞાનમાં રાગ જણાય તે જ્ઞાનની અવસ્થા છે, તે રાગની અવસ્થા નથી, ને રાગને કારણે તે અવસ્થા થઈ છે એમ પણ નથી; કેમકે જ્ઞાન અચળ છે, રાગમય થતું નથી, પરજ્ઞેયમય થતું નથી. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ! હવે લોકો રાગથી થાય, રાગથી (જ્ઞાન) થાય એમ કહે છે પણ શું થાય? રાગનો જ્ઞાનમાં પ્રવેશ જ નથી તો રાગથી શું થાય? કાંઈ જ ન થાય. આત્મા સ્વયં જ્ઞાનમાત્ર વસ્તુ છે, અને જ્ઞાનરૂપથી કદીય ચલિત ન થાય તેવો અચળ છે. આ તો બાપુ! એકલું માખણ છે; જેનાં મહાપુણ્ય હોય તેને આ વાત પણ સાંભળવા મળે. સમજાણું કાંઈ...?
હવે કહે છે- વળી તે સ્વસંવેદ્ય છે. પોતે પોતાથી જ સ્વસંવેદનમાં જણાય એવો છે. પરથી, રાગથી કે ભગવાનની વાણીથી જણાય એમ નહિ, પણ પોતે પોતાથી જ જણાય એવો છે. વળી જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા પરજ્ઞેયને જાણે છે તેથી તે કાંઈ પરવેદનમય થઈ ગયો છે એમ નથી, એ તો સ્વસંવેદનમય જ છે. પોતાનું અને પરનું જ્ઞાન કરે