Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3763 of 4199

 

૩૧૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ બીજાની વ્યવસ્થા ક્યાં કરવાની છે? અને તું જ્ઞાનસ્વરૂપ-જાણનારસ્વરૂપ સ્વયં જાણતો થકો પરિણમે છે ત્યાં બીજા પદાર્થો-જ્ઞેયો તારું શું કરે છે? કાંઈ જ નહિ. અનંતા જ્ઞેયાકારો જ્ઞાનમાં જણાય તો પણ જ્ઞાન જ્ઞાનાકાર જ પરિણમે છે, કદી જ્ઞેયાકારપણે થતું નથી. આવો જ જ્ઞાનનો અખંડ-અભંગ સ્વભાવ છે.

અહા! એક શબ્દે કેટલું ભર્યું છે! એક ‘જગત’ શબ્દ કહો તો છે તો ત્રણ અક્ષર, પણ એમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય; તેમ અહીં ‘જ્ઞાન’ કહેવાથી પૂરા બ્રહ્માંડને જાણનારો અખંડાનંદ પ્રભુ આત્મા આવી ગયો. અહા! પૂરા લોકને જાણવાનો તેનો સ્વભાવ છે, પણ તેને જાણતાં તેની એકરૂપતા ખંડખંડ થઈ ખંડિત થતી નથી એમ કહે છે. સમજાણું કાંઈ...?

વળી પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ થતા નથી, વસ્તુ અખંડ જ છે. જુઓ, પ્રતિપક્ષી કર્મો નિમિત્ત છે. એ નિમિત્તના વશે (પોતે નિમિત્તના વશે પરિણમે છે તેથી) જ્ઞાનમાં મતિ, શ્રુત, અવધિ ઈત્યાદિ અવસ્થાઓના ભેદ પડે છે અને તેથી ખંડખંડ દેખાય છે, પણ એ તો અવસ્થાભેદ બાપુ! જ્ઞાનમાત્રવસ્તુમાં ક્યાં ભેદ છે? એ તો અખંડ અભેદ એકરૂપ છે. મતિ-શ્રુત આદિ પર્યાયથી જોતાં ખંડખંડ દેખાય છે પણ વસ્તુ-જ્ઞાનમાત્ર વસ્તુ તો સ્વભાવે પૂર્ણ અખંડ જ છે, જ્ઞાનમાત્રમાં ખંડ નથી. અલ્પજ્ઞતા અને રાગ આદિ કાંઈ વસ્તુનું સ્વરૂપ નથી, વસ્તુ તો પૂરણ અભેદ અખંડસ્વરૂપે જ છે.

વળી આ જ્ઞાનમાત્ર તત્ત્વ એક છે. શું કીધું? એમ કે જ્ઞાન પરને-અનેકને જાણે છે તો તેમાં અનેકતા આવી જાય છે કે નહિ! તો કહે છે -એક છે, એકરૂપ જ છે, તેમાં અનેકપણું આવી જતું નથી. આ છેલ્લા કળશમાં સાર-સાર ભરી દીધો છે. કહે છે- પર જ્ઞેયાકારોના નિમિત્તે કે કર્મોના નિમિત્તે જ્ઞાનમાત્રવસ્તુનું તત્ત્વ અનેકરૂપ થઈ જતું નથી, જ્ઞાનસ્વભાવ અનેકપણે થઈ જતો નથી, તે તો અભેદ એક જ છે. બાપુ! આ તો દિગંબર સંતોની વાણી!

અહા! ભગવાન કુંદકુંદાચાર્યદેવ ભગવાન સીમંધરનાથ પાસે વિદેહક્ષેત્રમાં ગયા હતા. ત્યાં આઠ દિવસ રહી ભગવાનની ૐધ્વનિ સાંભળી હતી. વળી ત્યાં બીજા દિગંબર સંતો-ભાવલિંગી મુનિવરો ને શ્રુતકેવળી ભગવંતોનો તેમણે પરિચય કર્યો હતો. ત્યાંથી ભરતમાં પાછા પધારીને પછી આ શાસ્ત્રની રચના કરી છે. અહા! તેમાં કહે છે-જ્ઞાન- માત્રવસ્તુનું તત્ત્વ અખંડ, એક છે. અહાહા...! જ્ઞાન અખંડ હોવાથી એક છે. અનેકને જાણવા છતાં અનેકરૂપ થતું નથી. એવું એક છે. અહાહા....! જેમાં ખંડ પણ નથી, અનેકપણું પણ નથી એવો ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર સદાય એકસ્વરૂપ છે. તેની દ્રષ્ટિ કરવી અને તેમાં એકાગ્ર થઈ રમવું એનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન-