આ દયા, દાન, વ્રત આદિ ભાવ સંસારદશામાં છે, પણ મોક્ષમાં નથી; તેઓ ત્રિકાળ નથી તેથી અવ્યાપ્તિવાળા છે. તેથી આ ધર્મો દ્વારા પણ શુદ્ધ ચૈતન્યમય આત્મા જાણી-ઓળખી શકાતો નથી. આ પ્રમાણે જે ધર્મો પર્યાયાશ્રિત છે તેનો અહીં નિષેધ કર્યો.
હવે કહે છે- ‘ચેતનતા જો કે આત્માનું (અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિથી રહિત) લક્ષણ છે તોપણ તે શક્તિમાત્ર છે, અદ્રષ્ટ છે; તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવગોચર છે; તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે.’
જુઓ, આત્મામાં જાણવા-દેખવાના સ્વભાવરૂપ ચેતનતા-ચૈતન્ય શક્તિ ત્રિકાળ છે. તેથી ચેતનતા આત્માનું અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ રહિત લક્ષણ છે. પરંતુ આ ચેતનતા લક્ષણ શક્તિરૂપ છે, પ્રગટરૂપ નથી, અદ્રષ્ટ છે. આત્માના ખાસ સ્વરૂપભૂત હોવા છતાં ચેતનતા લક્ષણ ધ્રુવ શક્તિરૂપ અદ્રષ્ટ હોવાથી તેના વડે પણ આત્મા જાણવામાં આવતો નથી.
પરંતુ ચૈતન્યશક્તિની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. જુઓ, આ ચૈતન્યશક્તિની પ્રગટતા! બાપુ! ચૈતન્યસ્વરૂપ એવો ભગવાન આત્મા કોઈનું કાંઈ કરે, કોઈની રચના બનાવે, કોઈને કાંઈ લે કે દે-તે તેનું પ્રગટ સ્વરૂપ નથી. દેખવું અને જાણવું જેમાં થાય છે એવાં દર્શન અને જ્ઞાન તે ચૈતન્યશક્તિની પ્રગટતા છે. હવે આવી વાત ક્યાં મળે? વાણિયાના ચોપડામાં કે વકીલની કાયદાપોથીમાં ક્યાંય આ શબ્દો મળે એમ નથી. જુઓ, આ આત્માને જ્ઞાનમાત્ર કેમ કહ્યો તેની સિદ્ધિ કરે છે. જ્ઞાનમાત્ર જ આત્મા છે એમ સિદ્ધ કરે છે.
અહાહા....! આત્મા કઈ રીતે-શા વડે જાણવામાં આવે? તો કહે છે- આત્મામાં અસ્તિત્વ ગુણ છે, પણ તે વડે તે જાણવામાં આવે નહિ, કેમકે અસ્તિત્વ ગુણ તો પુદ્ગલાદિ અન્યદ્રવ્યોમાં પણ છે. વળી રાગદ્વેષાદિ વડે પણ આત્મા જણાય-ઓળખાય નહિ, કેમકે તેઓ ત્રિકાળ નથી, આત્માની સંસારઅવસ્થામાં જ હોય છે, મોક્ષમાં હોતા નથી. હવે રહી ચૈતન્યશક્તિ, ચૈતન્યશક્તિ ત્રિકાળ આત્માના ખાસ સ્વરૂપભૂત છે, પણ તે ધ્રુવ શક્તિમાત્ર છે, અદ્રષ્ટ છે, પ્રગટરૂપ નથી, તેથી તેનાથી પણ આત્મા જાણી શકાય નહિ. તો આત્મા કેવી રીતે જાણી શકાય છે? તો કહે છે- ચૈતન્યશક્તિની પ્રગટતા જ્ઞાન અને દર્શન છે. તેમાં જ્ઞાન સાકાર છે, પ્રગટ છે, અનુભવગોચર છે; તેથી તેના દ્વારા આત્મા જાણી શકાય છે.
જ્ઞાન સાકાર છે એટલે શું? જ્ઞાન સાકાર છે એટલે જ્ઞાનમાં સ્વ-પરને ભિન્નભિન્ન સ્પષ્ટ જાણવાનું સામર્થ્ય છે. દર્શનમાં સ્વ-પરનો ભેદ પાડીને દેખવાની શક્તિ નથી.