૩૧૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ દર્શન તો વસ્તુના સામાન્ય અવલોકનમાત્ર છે. દર્શનમાં તો અસ્તિમાત્ર છે બસ એટલી જ વાત; દર્શન ભેદ પાડીને દેખતું નથી, જ્યારે જ્ઞાન સાકાર હોવાથી વસ્તુને સ્વ-પરના ભેદ સહિત જાણવાની શક્તિવાળું છે. તેથી જ્ઞાન દ્વારા જ આત્મા ભિન્ન જાણી શકાય છે. હવે આવી વાત આ તમારા વેપાર ધંધામાં કે વકીલાતમાં ક્યાંય આવે નહિ. આ તો જૈનશાસનની કોઈ અલૌકિક વાત બાપા!
અહાહા....! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ વસ્તુ ત્રિકાળ છે. તેના લક્ષણભૂત ચૈતન્યશક્તિ ત્રિકાળ છે. તેની પ્રગટ-વ્યક્ત દશા દર્શન અને જ્ઞાન છે. તેમાં દર્શન છે તે વસ્તુને અસ્તિમાત્ર દેખે છે, જ્યારે જ્ઞાન છે તે વસ્તુને સ્વ-પરનો ભેદ પાડી પ્રગટ જાણે છે. આ રાગ હું નહિ, દેહ હું નહિ, હું તો જ્ઞાન છું, અનંત-ગુણમય પરિપૂર્ણ છું એમ ભેદ પાડી વસ્તુને જાણવાની જ્ઞાનમાં તાકાત છે. તેથી, કહે છે, જ્ઞાન દ્વારા જ આત્મા ભિન્ન જાણવામાં આવે છે. અહાહા....! આ રીતે વ્યવહારના રાગથી નહિ, અસ્તિ આદિ સાધારણ ધર્મોથી નહિ, ત્રિકાળ ચૈતન્યશક્તિથી નહિ, સામાન્ય દેખવામાત્ર દર્શનથી નહિ પણ ચૈતન્યશક્તિની વિશેષ સાકાર અવસ્થા જે જ્ઞાન તે જ્ઞાન વડે જ આત્મા જણાય છે. હવે આ તો નિશ્ચય છે નિશ્ચય છે- એમ કહીને આ વાતને લોકો ઉડાડી દે છે, પણ બાપુ! આ જ યથાર્થ છે, સત્યાર્થ છે. વ્યવહારના રાગથી આત્મપ્રાપ્તિ થાય, ધર્મ થાય એમ તું માને પણ એ તારો ભ્રમ છે, કેમકે રાગથી આત્મા જણાય એવું આત્માનું સ્વરૂપ નથી ને રાગનું પણ એવું સામર્થ્ય નથી. આવી વાત! સમજાણું કાંઈ....?
ભાઈ! મારગડા જુદા છે નાથ! લોકોને હાથ આવ્યો નથી એટલે સમજવો કઠણ લાગે છે, પણ ભાઈ! આ તને સમજવાનો અવસર છે; તેને ખાસ નિવૃત્તિ લઈ સમજવો જોઈએ. અહીં કહે છે- આત્મા દયા, દાન આદિ વિકલ્પથી જણાય નહિ, અસ્તિ આદિ ગુણથી જણાય નહિ, સામાન્ય ચિત્શક્તિ ત્રિકાળ ધ્રુવ છે તેનાથી જણાય નહિ અને ચૈતન્યની પ્રગટ વ્યક્ત દશા દર્શન અને જ્ઞાન છે તેનાથી દર્શનથી પણ જણાય નહિ; પણ સાકાર પ્રગટ-વ્યક્ત જે અનુભવગોચર જ્ઞાન તે જ્ઞાનથી જ આત્મા જણાય છે. અહાહા....! જ્ઞાનની પ્રગટ વ્યક્ત દશામાં દેહાદિ પરથી ભિન્ન આત્મા જાણવામાં આવે છે માટે જ્ઞાન દ્વારા જ આત્મા ભિન્ન ઓળખી શકાય છે. ભાઈ! આ તો સમજાય એવું છે પ્રભુ! ન્યાયથી-લોજીકથી વાત છે ને! પણ એણે એનો (નિજ તત્ત્વનો) અભ્યાસ કરવો જોઈએ.
અરે! એણે નિજ તત્ત્વને જાણવાની કદી દરકાર કરી નથી! ભાઈ! એમ ને એમ (-વિષય-કષાયમાં, અજ્ઞાનપૂર્વક) જિંદગી વીત્યે જાય છે. અરે! જરા વિચાર તો કર- એણે કેવા અનંતા ભવ કર્યા! કાગડા, કુતરા ને કંથવાના, ભેંસ, ભૂંડ ને બળદના, નરક અને નિગોદના,....... અહાહા.....! આવા આવા અનંત અનંત ભવ એણે કર્યા. ‘આ જીવ છે-’ એમ બીજા સ્વીકાર પણ ન કરે, અહા! એવા અનંતા ભવ એણે કર્યા.