Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3770 of 4199

 

સમયસાર ગાથા-૪૧પઃ ૩૧૯

આવા મનુષ્યના પણ અનંત ભવ કર્યા, પણ એ બધા ફોગટ ગયા; કેમકે એણે નિજ ચૈતન્ય તત્ત્વનો અનાદર કર્યે જ રાખ્યો. હું દેહ છું, હું રાગ છું, હું પુણ્ય છું, હું પરનો કર્તા છું, સ્વામી છું-એમ અનેક પ્રકારે પોતાના શુદ્ધ ચૈતન્ય તત્ત્વનો ઈન્કાર કરીને તેનો અનાદર કર્યે જ રાખ્યો. તેથી એવા એવા સ્થાનમાં એ જઈ પડયો જ્યાં બીજા જીવો એની અસ્તિ પણ ન સ્વીકારે કે આ જીવ છે. ભાઈ! આ સાવધાન થવાનો અવસર છે હોં.

આ તો ધીરાની વાત બાપા! કહે છે- જ્ઞાન જે પ્રગટ-વ્યક્ત અનુભવગોચર છે તે જ્ઞાન વડે જ આત્મા ઓળખી શકાય છે, બીજા કોઈથી નહિ; દેહસ્થિત હોવા છતાં દેહથીય નહિ અને વ્રત, તપ, દાન, ભક્તિ-પૂજા ઈત્યાદિના વિકલ્પથીય નહિ. દર્શન જો કે ચૈતન્યનો પ્રગટ અંશ છે તોપણ તેમાં વસ્તુ સામાન્ય અસ્તિમાત્ર દેખાય છે, પણ પરથી ભિન્ન પાડી આત્માને દેખવાની દર્શનની તાકાત નથી. જાણવાની જે પ્રગટ દશા છે તે જ અંતર ભિન્ન સ્વરૂપને જાણવાની તાકાત રાખે છે. જ્ઞાન પરને જાણે છે, સ્વને પણ જાણે છે. પરથી ખસી સ્વને જાણે એવી શક્તિ જ્ઞાનમાં છે. એટલા માટે જ જ્ઞાનને પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે.

આત્મામાં અનંત ધર્મો છે, અનંત અનંત ગુણ છે. પણ જ્ઞાનને જ એકને આત્માનું તત્ત્વ કેમ કહ્યું? કારણ કે જ્ઞાનમાં જ સ્વ-પરને ભિન્ન-ભિન્ન જાણવાની શક્તિ છે. આત્માનું જ્ઞાન જ યથાર્થ લક્ષણ છે, જ્ઞાન વડે જ આત્મા જાણવામાં આવે છે. જો કે દર્શન ચૈતન્યશક્તિનો અંશ છે, તો પણ તે સામાન્ય અસ્તિપણે દેખવામાત્ર છે, નિર્વિકલ્પ છે. આ દર્શન તે સમ્યગ્દર્શનની વાત નથી, આ તો દર્શન ઉપયોગની અહીં વાત છે. દર્શન છે તે નિર્વિકલ્પ છે, અર્થાત્ તે સ્વપરનો ભેદ પાડી વસ્તુને દેખતું નથી. જ્યારે જ્ઞાન સાકાર છે, સવિકલ્પ છે. જ્ઞાન સ્વ-પરને ભેદ પાડી જાણે છે. આમ આત્માને ભિન્ન જાણવાની શક્તિ જ્ઞાનમાં જ છે. તેથી આ ૪૧પ ગાથામાં જ્ઞાનને જ આત્મા કહેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ...?

ભગવાન! તું જ્ઞાનસ્વરૂપ છો; તારી ચીજ બીજામાં નથી, અને બીજી ચીજ તારામાં નથી. પર્યાયમાં રાગાદિ છે તેય તારા અંતર સ્વરૂપમાં નથી. તારી લક્ષણભૂત ચૈતન્યશક્તિ છે તે ધ્રુવરૂપ છે, ને તેની પ્રગટ વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તેમાં દર્શન સાકાર નથી અર્થાત્ દર્શનમાં સ્વપરને ભેદ પાડી જાણવાની શક્તિ નથી; ‘છે’ બસ એટલું માત્ર દર્શન દેખે છે. જ્યારે આ દેહ છે, આ રાગ છે ને આ હું શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનાનંદમય આત્મા છું-એમ સ્વ-પરને ભિન્ન પાડી જાણવાની જ્ઞાનમાં શક્તિ છે. તેથી જ્ઞાન દ્વારા જ આત્મા જાણી શકાય છે. માટે એક જ્ઞાન જ આત્માનું તત્ત્વ કહ્યું છે. આવી વાત!

હા, પણ શું આ એકાન્ત નથી થઈ જતું?