૩૨૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ના, નથી થઈ જતું; કેમકે જ્ઞાન સાથે આત્મામાં બીજી અનંત શક્તિ અભેદ છે તે તેમાં સમાઈ જ જાય છે. આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અભેદ રહેલી અનંત શક્તિઓનો સમાવેશ થઈ જ જાય છે અને સાથે તેમાં દેહાદિ ને રાગાદિ અન્ય પદાર્થોનો નિષેધ થઈ જાય છે. આ પ્રમાણે આ અનેકાન્ત છે. બાકી તું સમોસરણમાં બિરાજમાન ભગવાનના લાખ ભક્તિ-પૂજા કરે વા ક્રોડો મંદિર બંધાવી ભગવાનની ભક્તિ પૂજા કરે વા વ્રતાદિ પાળે પણ એ બધો રાગ જ છે અને એનાથી ભગવાન આત્મા કદીય જાણવામાં આવે એમ બનવું સંભવિત નથી. સમજાણું કાંઈ...?
હવે આવી વાત સાંભળવા-સમજવાની ફુરસદ કોને છે? આ તો વ્રત કરો ને તપસ્યા કરો ને ઉપવાસ કરો ને મંદિરો બનાવો ને મોટા ગજરથ કાઢો બસ આ છે, ને તેમાં આ મોટા શેઠિયા અગ્રેસર બને; પણ અહીં કહે છે -પ્રભુ! તારું જ્ઞાન છે તે અગ્રેસર અર્થાત્ પ્રધાન છે. અહાહા....! જ્ઞાન છે તે આત્માનું પ્રધાન તત્ત્વ છે; કેમકે જ્ઞાન વડે જ ભિન્ન આત્મા ઓળખાય છે.
હા, પણ એમાં બાહ્ય નિમિત્ત હોય છે કે નહિ? નિમિત્ત બહારમાં હોય છે ને; નિમિત્ત નથી હોતું એમ કોણ કહે? પણ નિમિત્ત અંતરંગ ઉપાદાનનું કાંઈ કરે છે એમ નથી, નિમિત્ત કાર્યનું કર્તા નથી એમ વાત છે. આત્મા જ્ઞાનથી પોતાને જાણે ત્યારે બાહ્ય નિમિત્તપણે બીજી ચીજ ભલે હો, -ગુરુ હો, દેવ હો, શાસ્ત્ર હો, વિકલ્પ હો- પણ એ બધા વડે આત્મા જાણવામાં આવે છે એમ નથી; જ્ઞાનથી જ આત્મા જાણવામાં આવે છે. તે પણ ક્યારે? જ્ઞાનને સ્વસન્મુખ કરે ત્યારે. સ્વસન્મુખ થયેલા જ્ઞાનથી જ ભિન્ન આત્મા જાણવામાં આવે છે. ઓહો...! આ તો થોડી લીટીમાં ગજબ વાત કરી છે.
પ્રભુ! તું કઈ રીતે જાણવામાં આવે? અહીં કહે છે -જ્ઞાનની જે પ્રગટ અવસ્થા છે તેને સ્વસન્મુખ વાળવાથી તે જ્ઞાનની દશામાં ભગવાન આત્મા જાણવામાં આવે છે. ભાઈ! તારી જ્ઞાનની પર્યાય અનાદિથી પર તરફ બહાર ઝુકેલી છે તેને અંદર સ્વસન્મુખ ઝુકાવ, તને તારો ભગવાન અનંત મહિમાવંત પ્રભુ જણાશે. ભાઈ! ભાષા તો સાદી છે, કામ તો જે છે તે અનંતો અંતઃપુરુષાર્થ માગે છે.
અહીં જ્ઞાનને મુખ્ય કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે. જોયું? આત્મામાં છે તો અનંત ધર્મો, અનંત ગુણો, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ચિતિ, દશિ, સર્વદર્શિતા, સર્વજ્ઞતા, પ્રભુત્વ, વિભુત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, જીવત્વ, સ્વચ્છત્વ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, કર્તૃત્વ, અકર્તૃત્વ ઈત્યાદિ અનંત શક્તિઓ આત્મામાં છે. શક્તિ કહો, ગુણ કહો કે સ્વભાવ કહો-બધું એક જ છે. પણ અહીં જ્ઞાન તે જ આત્મા એમ કેમ કહ્યું? કારણ કે જ્ઞાન વડે જ આત્મા જાણવામાં આવે છે.