૩૨૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ આત્મા ભિન્ન સ્વરૂપે જાણવામાં આવે છે. આમ અપેક્ષાથી જ્ઞાનને પ્રધાન કરીને આત્માનું તત્ત્વ જ્ઞાન કહ્યું તો ત્યાં એક જ્ઞાન જ આત્મા છે, અન્ય ધર્મ જૂઠા છે, છે જ નહિ- એમ એકાન્ત ન ખેંચવું. ભાઈ! આ મનુષ્યપણું ચાલ્યું જાય છે હોં. ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વરે કહેલી આ વાત અંતરમાં પાત્રતા કેળવી, ગરજ કરી, રસ લઈને સાંભળવી- સમજવી જોઈએ. ભાઈ! તને પર વિષયોનો રસ છે તે મટાડી સ્વસ્વરૂપનો રસ કેળવવો જોઈએ, આ તારા હિતની વાત છે ભાઈ!
કહે છે- સર્વથા એકાંત કરવાથી મિથ્યાદ્રષ્ટિપણું થાય છે, વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધા સહિત છે. વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધ છે તે એક જ આત્મા માને છે. આ ચીન, બર્મા, જાપાન છે ને! ત્યાં બૌદ્ધમત ચાલે છે. એ બૌદ્ધ બધે વિશ્વમાં એકલું વિજ્ઞાન જ છે, બીજું કાંઈ નહિ- એમ માને છે. જ્યારે વેદાંત સર્વવ્યાપક એક આત્મા માને છે. અહીં, કહે છે, એ વાત નથી. જ્ઞાનમાત્ર આત્મા કહ્યો તેમાં અનંત ધર્મો આવી જાય છે. માટે એકાંતે જ્ઞાન જ આત્મા માનવો બૌદ્ધાદિની જેમ બાધા સહિત છે અર્થાત્ મિથ્યાદ્રષ્ટિપણું છે.
એવા એકાંત મતથી કોઈ દિગંબર મુનિ થઈ જાય અને આત્માનું-જ્ઞાનમાત્રનું ધ્યાન કરે, તો પણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. અરે ભાઈ! પોતાના અનેકાન્તસ્વરૂપ આત્માને જાણ્યા વિના એણે અનંત વાર મુનિવ્રત ધારણ કીધાં. જંગલમાં રહ્યો, ૧૧ અંગ ભણ્યો, પણ એથી શું? સંસારનું કારણ જે મિથ્યાત્વભાવ તે ટળ્યો નહિ. અરે! મિથ્યાત્વ શું ચીજ છે ને પોતે શું ચીજ છે એના ભાન વિના મિથ્યાત્વ ટળે ક્યાંથી? મંદ કષાયના કારણે કદાચ તે સ્વર્ગ પામે, પણ ચારગતિનું પરિભ્રમણ એને મટતું નથી. ત્યાંથી નીકળી વળી પાછો તે મનુષ્ય થઈ તિર્યંચ, નરકાદિમાં ચાલ્યો જાય છે. તેને મોક્ષનું સાધન થતું નથી. એકાંતે જ્ઞાન જ આત્મા છે એમ માને, આત્માને અનેકાન્તમય ન માને તે કદાચિત્ સાધુ થઈ બહારમાં મહાવ્રતાદિ પાળે તોય તેને મોક્ષનું સાધન થતું નથી, તેને સંસારનો અભાવ થતો નથી. માટે, કહે છે, સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. જે અપેક્ષાએ કથન હોય તેને અપેક્ષાપૂર્વક યથાર્થ સમજવું.
હવે શાસ્ત્રના સારભૂત એવો પં. જયચંદજી છંદ કહે છેઃ-
મૂરત અમૂરત જે આન દ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નાહીં ન્યારે ન અભાવકો;
યહૈ જાનિ જ્ઞાની જીવ આપકું ભજૈ સદીવ જ્ઞાનરૂપ સુખતૂપ આન ન લગાવકો;
કર્મ-કર્મફલરૂપ ચેતનાકૂં દૂરિ ટારિ જ્ઞાનચેતના અભ્યાસ કરૈ શુદ્ધ ભાવકો.
જુઓ, આખા સમયસારની ૪૧પ ગાથાઓનો સાર આ એક છંદમાં ભર્યો છે.