૩૪૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
‘અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યની ૪૧પ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યાં. હવે ટીકાકાર આચાર્યદેવે વિચાર્યું કે- આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે “જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાન્ત આવી જતો નથી? અર્થાત્ સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વ - એ બન્ને કઈ રીતે ઘટે છે?” -આમ તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છેઃ-’
‘अथ’ અહીં ‘स्याद्वाद–शुद्धि–अर्थ’ સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે ‘वस्तु–तत्त्व– व्यवस्थितिः’ વસ્તુ તત્ત્વની વ્યવસ્થા ‘च’ અને ‘उपाय–उपेय–भावः’ (એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપેયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય-ઉપેયભાવ ‘मनाक् भूयः अपि’ જરા ફરીને પણ ‘चिन्त्यते’ વિચારવામાં આવે છે.
જુઓ, જેવી ભગવાને કેવળજ્ઞાનમાં આત્મવસ્તુ જોઈ તેની સિદ્ધિ અર્થે પૂર્વે સમયસારમાં ભરપુર કહેવાઈ ગયું છે; તો પણ ટીકાકાર આચાર્ય ભગવાન ફરીને કાંઈક વિચાર આવતાં વિશેષ કહે છે. શું? કે સ્યાદ્વાદની શુદ્ધિ અર્થે વસ્તુ તત્ત્વની જે વ્યવસ્થા તે વિશેષ કહે છે. તેમાં ‘સ્યાત્’ એટલે કોઈ અપેક્ષાએ અને ‘વાદ’ એટલે કથન. અહાહા....! આત્મા જે અનેકાન્તમય વસ્તુ છે તેનું અપેક્ષાએ કથન કરવું તેનું નામ સ્યાદ્વાદ છે. અનેકાન્તમય વસ્તુને અપેક્ષા વડે કહેનારી શૈલિ તે સ્યાદ્વાદ છે.
શિષ્યનો તર્ક છે ને? કે આખા સમયસારમાં તમે આત્માને જ્ઞાનમાત્ર વસ્તુ કહેતા આવ્યા છો તો તેમાં એકાંત થઈ જતું નથી? તો કહે છે-ના, એકાંત થઈ જતું નથી, અનેકાન્ત સિદ્ધ થાય છે. કેવી રીતે તે સમજાવે છેઃ જ્ઞાનમાત્રવસ્તુ આત્મા આત્માપણે છે, ને શરીર, મન, વાણી કે રાગાદિ પરજ્ઞેયપણે નથી એમ અનેકાન્ત સિદ્ધ થાય છે. આત્મા સ્વપણે છે તે અસ્તિ અને પરજ્ઞેયપણે નથી તે નાસ્તિ-એમ અસ્તિ-નાસ્તિરૂપ અનેક ધર્મ સિદ્ધ થાય છે, અને એનું જ નામ વસ્તુનું અનેકાન્તસ્વરૂપ છે. અહાહા....! જે છે તે નથી એ જ અનેકાન્ત છે અને તેનું કથન કરનાર સ્યાદ્વાદ છે. સમજાણું કાંઈ....! અહાહા! વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું એકી સાથે પ્રકાશવું તે અનેકાન્ત છે; અર્થાત્ અનંતધર્મમય વસ્તુ પોતે જ અનેકાન્તસ્વરૂપ છે.
ધર્મ એટલે ત્રિકાળી આત્માના આશ્રયે સમ્યગ્દર્શનાદિરૂપે ધર્મ પ્રગટ થાય એની અહીં વાત નથી. વસ્તુએ ધારી રાખેલો ભાવ એને અહીં ધર્મ કહ્યો છે. એ રીતે ગુણ