અને પર્યાય એ બન્નેને અહીં ધર્મ કહ્યો છે. પુણ્ય-પાપના ભાવને પણ એક સમયની પર્યાયમાં ધારી રાખ્યા છે માટે તેને પણ ધર્મ કહીએ છીએ. અહીં અસ્તિ-નાસ્તિ, એક- અનેક, નિત્ય-અનિત્ય આદિ ધર્મના ૧૪ બોલ લઈને સ્યાદ્વાદને સિદ્ધ કરશે.
આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહ્યું એમાં શરીરાદિ પરજ્ઞેયોની નાસ્તિ આવી જાય છે. આમ જ્ઞાનમાત્ર વસ્તુ આત્મામાં અનેક ધર્મ આવી જાય છે. જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છે તે દ્રવ્ય અપેક્ષા નિત્ય છે, પર્યાય અપેક્ષા અનિત્ય છે. આમ નિત્ય-અનિત્ય ધર્મ વસ્તુમાં સમાઈ જાય છે. ‘જ્ઞાન છે’ એમ કહેતાં જ તેમાં અસ્તિપણું ને ભેગું વસ્તુપણું આવી જાય છે. ‘જ્ઞાન છે’ એમ કહેતાં તે જ્ઞેય પણ થાય એવું પ્રમેયપણું ભેગું આવી જાય છે. વળી ‘જ્ઞાન છે’ એમ કહેતાં જ્ઞાન સાથે ભેગું સુખ પણ આવી ગયું; કેમકે જ્ઞાન અર્થાત્ જાણવું-જાણવું-જાણવું એવો જે ભાવ તે સહજ હોવાથી અનાકુળ આનંદમય છે. એ રીતે એમાં ભેગો આનંદ-સુખ પણ આવી જાય છે. અહા! આવી વાત જૈન પરમેશ્વર વીતરાગ સર્વજ્ઞના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી.
અહો! ત્રણકાળ-ત્રણલોકને જાણવાનું સામર્થ્ય જેને પર્યાયમાં પ્રગટ થયું તે સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર અરિહંત પરમાત્માએ જેવું વસ્તુસ્વરૂપ જાણ્યું તેવું જગત પાસે વિના ઈચ્છા જાહેર કર્યું. ભગવાન અરિહંતદેવને ઈચ્છા હોતી નથી, કેમકે એ તો પૂર્ણ વીતરાગ હોય છે. ઇચ્છા વિના જ તેઓને ૐધ્વનિ -દિવ્યધ્વનિ નીકળે છે. એ વાણીમાંથી સંત- મુનિવરોએ શાસ્ત્ર રચ્યાં અને તેમાં અનેકાન્તમય વસ્તુના સ્વરૂપનું વર્ણન કર્યું. કેવી રીતે? તો કહે છે-સ્યાદ્વાદ પદ્ધતિથી.
અહા! વસ્તુ ‘છે’ એમ કહેતાં જ તેમાં પરની નાસ્તિ આવી જાય છે. જુઓ, આ આંગળી છે એમ કહેતાં જ એમાં બીજી આંગળી નથી એમ ભેગું આવી જાય છે. જો એમ ન સ્વીકારે તો વસ્તુ જ સિદ્ધ નહિ થાય, બે વસ્તુ જુદી સિદ્ધ નહિ થાય; બધું જ ભેળસેળ થઈ જશે. તેવી રીતે ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ જ્ઞાનમાત્રપણે છે એમ કહેતાં જ એના જ્ઞાનમાં જે શરીર, મન, વાણી, ઈન્દ્રિય અને રાગાદિ પરજ્ઞેયો જણાય છે તેની એમાં નાસ્તિ છે એમ ભેગું આવી જાય છે. અહો! આવા અનેકાન્તસ્વરૂપની દ્રષ્ટિ તે પરમામૃત છે, તે સમ્યક્ દ્રષ્ટિ છે અને એ જ સમ્યગ્દર્શન છે. સમજાણું કાંઈ...! અહા! આત્મા જ્ઞાનસ્વરૂપ છે, રાગસ્વરૂપ નથી, પરરૂપ નથી; આત્મા આનંદરૂપ છે, આકુળતારૂપ નથી; - આવા આત્મસ્વરૂપની દ્રષ્ટિ કરે એને સમ્યગ્દર્શનરૂપ પ્રથમ ધર્મ પ્રગટ થાય છે. તેમાં લીનતા-રમણતા કરે એની તો શી વાત! એ તો સાક્ષાત્ ધર્મ છે. ભાઈ! આવો વીતરાગનો ધર્મ છે. તેને જે ઓળખે તેને તે શરણ થાય છે. બાકી વિના ઓળખ્યે ‘કેવળી પણ્ણત્તો ધમ્મો શરણં’ કહે પણ એથી શું? અંતરમાં ધર્મનું સ્વરૂપ ઓળખ્યા વિના ધર્મનું શરણ ક્યાંથી પ્રાપ્ત થાય? કેવળીનેય ઓળખે નહિ ને ધર્મનેય ઓળખે નહિ એને ધર્મ કેમ થાય?