૩૪૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અરે! લોકોએ તો વીતરાગમાર્ગને બહારથી માન્યો-મનાવ્યો છે. કોઈ કહે દયા પાળીએ તો ધર્મ થાય, તો કોઈ કહે ભગવાનની મૂર્તિની પૂજા કરીએ તો ધર્મ થાય, તો કોઈ વળી કહે કે લુગડાં ઉતારી નગ્ન રહીએ તો ધર્મ થાય. પણ આ તો બધી બહારની ચીજ છે બાપા! (ધર્માત્માને તે હોય છે પણ તે ધર્મ નથી). ધર્મ તો અંતરની ચીજ છે ભાઈ! ભગવાને જેવો જ્ઞાનમાત્ર આત્મા કહ્યો છે તેની અંતર્દ્રષ્ટિ કરી તેમાં જ રમણતા કરે તેનું નામ ધર્મ છે.
અહા! ભગવાન આત્મા ચૈતન્યનો તેજપુંજ પ્રભુ છે. આ કર્મ તો જડ પર છે, અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ થાય તે પુણ્યરૂપ વિકાર છે, તથા હિંસા, જૂઠ આદિ ભાવ થાય તે પાપરૂપ વિકાર છે; એ એક સમયની પર્યાયના ધર્મ છે. તથાપિ ત્રિકાળી જે એક ચૈતન્યભાવ તેમાં એ પુણ્ય-પાપરૂપ વિકાર નથી, ત્રિકાળી સ્વભાવભાવ સદા નિર્વિકાર છે. અહા! આવા સ્વભાવભાવની અંતર્દષ્ટિ ને રમણતા કરવાં તે ધર્મ છે. અહા! આવી પોતાની ચીજને છોડીને લોકો બહારમાં ધર્મ માને-મનાવે એ તો અજ્ઞાન છે.
વળી કોઈ લોકો જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્માને છોડીને બહારમાં શરીર રૂપાળું હોય, પૈસા-ધન હોય ને કાંઈક આબરૂ-પ્રતિષ્ઠા હોય એટલે એમાં અનુકુળતા માની ત્યાં જ હરખ કરે છે, તેમાં હરખ-ઘેલાં થઈ જાય છે. પણ ભાઈ! એ તો મિથ્યાત્વરૂપી સન્નિપાતનો રોગ તને લાગુ પડયો છે. આ સન્નિપાત થાય છે ને! તો આદમી દાંત કાઢે છે. શું તેને સુખ છે? ના, એ તો ગાંડપણ છે. તેમ બીજી ચીજમાં હરખ કરે એ ગાંડપણ- ઘેલછા છે, સન્નિપાત છે, એ કાંઈ વાસ્તવિક સુખ નથી.
આ જોતા નથી? એ શરીર ને પૈસા તો ક્યાંય એક કોર રહ્યા ને સંસારમાં લોકો એક પછી એક ક્યાંય (નરક-નિગોદાદિમાં) હાલ્યા જાય છે. મિથ્યાત્વનું અંતિમ ફળ નિગોદ છે ભાઈ! કે જ્યાં ક્ષણમાં અનંતા જીવ જન્મ-મરણ કર્યા કરે છે. આ લસણ, ડુંગળી, બટાટા નથી આવતા? તેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, તે એક એક શરીરમાં, સર્વજ્ઞ ભગવાન કહે છે કે અત્યાર સુધી જે અનંતા સિદ્ધ થયા તેનાથી અનંતગુણા જીવ છે. અરેરે! આ જીવોએ આત્માની (-પોતાની જેવડી સત્તા છે તેવડી) હયાતી કબુલી નથી એટલે એના ફળમાં દુનિયા એને આત્મા છે એમ માને એ રહ્યું નહીં. અહા! જેણે વાસ્તવિક તત્ત્વને ઓળવીને જુઠાં આળ આપ્યાં એ એવો જુઠો થઈ ગયો કે એને દુનિયા જીવ માને એ રહ્યું નહિ. અહા! એક શરીરમાં અનંત જીવ! ને કેવી હીણી દશા! કોઈ માને નહિ કે આ જીવ છે. ભાઈ! આ હંબગ નહિ હોં; આ સત્ય છે. અહા! હું એક આત્મા છું ને બીજા મારા જેવા અનંતા આત્માઓ છે એમ અનંત જ્ઞેયોને જે ઉડાડે છે તેનું જ્ઞાન ઉડી જાય છે, અર્થાત્ અત્યંત હીણમૂર્છિત થઈ જાય છે. સમજાણું કાંઈ....?