૩૪૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ પડી ગયા છે. આ વ્રત કરો ને તપ કરો ને ઉપવાસ કરો-બસ કરો કરો એમ ક્રિયાકાંડમાં પડી ગયા છે. પણ એમાં ધૂળેય ધર્મ નથી સાંભળને. ભાઈ! ધર્મ એ તો આત્માની આત્મરૂપ દશા છે અને એનો કરનારો કેવો છે એને જાણ્યા વિના કદીય ધર્મ ન થાય.
અહીં કહે છે- આત્મામાં અનેક ધર્મ છે. ધર્મ એટલે વસ્તુએ ધારી રાખેલો ભાવ. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ -એમ વસ્તુમાં બે ધર્મ છે. એકરૂપ ધ્રુવ ટકી રહેવું તે સામાન્યધર્મ છે, ને પલટવું તે વિશેષધર્મ છે. એમ વસ્તુમાં અનેક ધર્મ છે. અહા! આમ વસ્તુ અનેકધર્મયુક્ત હોવાથી, સ્યાદ્વાદથી એટલે કે અપેક્ષાના કથનથી જ સાધી શકાય છે, સિદ્ધ થઈ શકે છે. અપેક્ષા ન રાખે અને સામાન્ય જ છે, વિશેષ નથી; વા વિશેષ જ છે, સામાન્ય નથી -એમ એકાંત પકડે તો વસ્તુ સિદ્ધ નહિ થાય; કેમકે વસ્તુ સ્વભાવથી જ સામાન્યવિશેષસ્વરૂપ છે. સામાન્ય જે ત્રિકાળી ધ્રુવે છે તેનો નિર્ણય કરનાર વિશેષ પર્યાય છે. આવું જ સહજ વસ્તુ સ્વરૂપ છે. હવે કહે છે-
એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (-પ્રમાણિકતા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે.
અહા! જુઓ તો ખરા! સ્યાદ્વાદ માટે કેવા કેવા શબ્દો વાપર્યા છે! કહે છે- વીતરાગનો સ્યાદ્વાદ -માર્ગ સત્ય છે, પ્રમાણિક છે, નિર્દોષ છે, અદ્વિતીય છે. બીજે ક્યાંય આવી વાત છે નહિ. સ્યાદ્વાદની શુદ્ધતા સિદ્ધ કરવા માટે અહીં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. એમાં એમ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.
‘વળી બીજું, એક જ જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાય-ઉપેયભાવ અર્થાત્ સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે.’
જુઓ, જ્ઞાનસ્વરૂપી આત્મા જ સાધકપણે થઈને સાધ્યપણે થાય છે. વચ્ચે દયા, દાન, વ્રતાદિનો શુભરાગ થાય તે સાધક નથી, ઉપાય નથી. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મામાં એકાગ્રતા-લીનતા થતાં દર્શન-જ્ઞાન-શાન્તિ પ્રગટે તે મોક્ષનું સાધક છે, તે મોક્ષનો ઉપાય છે; અને એના ફળરૂપે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટે તે સાધ્ય નામ ઉપેય છે. પોતે ચૈતન્યપ્રકાશનો પુંજ છે એમાં આ રીતે બેપણું ઘટે છે તે પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવશે.
હવે પ્રથમ આચાર્યદેવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છેઃ-
સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું અર્હંત્ સર્વજ્ઞનું એક અસ્ખલિત