(-નિર્બાધ) શાસન છે. તે (સ્યાદ્વાદ) “બધું અનેકાન્તાત્મક છે” એમ ઉપદેશે છે, કારણ કે સમસ્ત વસ્તુ અનેકાન્ત સ્વભાવવાળી છે.’
સ્યાદ્વાદ એટલે શું? સ્યાત્ નામ અપેક્ષાએ, વાદ નામ કથન. કોઈ અપેક્ષાથી વસ્તુને કહેવી તે સ્યાદ્વાદ છે. જેમકે- આત્મા નિત્ય છે, કઈ અપેક્ષાએ? કાયમ ટકે છે એ અપેક્ષાએ. આત્મા અનિત્ય છે, કઈ અપેક્ષાએ? બદલતી અવસ્થાની અપેક્ષાએ. આમ વસ્તુને અપેક્ષાએ કહેવી એનું નામ સ્યાદ્વાદ છે. આ સ્યાદ્વાદ, અહીં કહે છે, સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું ભગવાન અર્હંતદેવનું અસ્ખલિત શાસન છે. અહાહા....! સ્યાદ્વાદ, બધી વસ્તુઓને અપેક્ષાથી નિત્ય-અનિત્ય, એક-અનેક, સત્-અસત્ ઈત્યાદિપણે સાધનારું ભગવાન સર્વજ્ઞદેવનું નિર્બાધ શાસન છે. ભાઈ! આવી વાત ભગવાન સર્વજ્ઞદેવના શાસન સિવાય બીજે ક્યાંય નથી. હવે કોઈ આત્માને એકાંતે સર્વવ્યાપક માને, એકાંતે નિત્ય માને તેને સ્યાદ્વાદ કેવો? આ તો દ્રવ્ય-ગુણ-પર્યાયમય વસ્તુ માને, દ્રવ્ય એક, ગુણ અનંત, પર્યાય અનંત-એમ માને એના મતમાં સ્યાદ્વાદ છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? પર્યાય શું? કાંઈ ખબર ન મળે એની તો આંધળો દોરે ને આંધળો ચાલે એના જેવી સ્થિતિ છે; બિચારો જઈને પડે ખાડામાં.
અહા! સ્યાદ્વાદ બધું અનેકાન્તાત્મક છે એમ ઉપદેશે છે. જુઓ, આ ભગવાન અર્હંતનું નિર્બાધ શાસન! જગતમાં છ દ્રવ્યો છે તે, કહે છે, અનેકધર્મસ્વરૂપ છે. અહીં ધર્મ એટલે સામાન્ય-વિશેષ, એક-અનેક, ગુણ-પર્યાય, નિત્ય-અનિત્ય, સત્-અસત્ આદિ વસ્તુએ ધારી રાખેલા ભાવ-સ્વભાવને ધર્મ કહીએ. આત્મા એક પણ છે, અનેક પણ છે; વસ્તુપણે એક છે અને ગુણ-પર્યાયોની અપેક્ષા અનેક છે. આમ સમસ્ત વસ્તુઓ-દરેક આત્મા ને દરેક પરમાણુ આદિ-અનેકાન્તસ્વભાવવાળા છે. જુઓ, આ આંગળી છે તે અનેક પરમાણુ ભેગા થઈને થઈ છે. પરંતુ તેમાં રહેલો પ્રત્યેક પરમાણુ સામાન્ય-વિશેષ, એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ અનેકાન્ત સ્વભાવવાળો છે. તેમ પ્રત્યેક આત્મા પણ અનેકાન્તસ્વરૂપ છે, અર્થાત્ આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, વીર્ય, અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, એક-અનેક આદિ અનેક અર્થાત્ અનંતા ધર્મો ધારી રાખેલા છે- એમ જે સ્યાદ્વાદ કહે છે તે અસત્યાર્થ કલ્પના નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાન્ત સ્વભાવ છે તેવો જ સ્યાદ્વાદ કહે છે.
હવે આત્મા નામની વસ્તુને સિદ્ધ કરે છેઃ ‘અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં છતાં પણ સ્યાદ્વાદનો કોપ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાન્તપણું છે.’
જુઓ, શું કીધું? કે રાગાદિથી રહિત, પરદ્રવ્યોથી ભિન્ન આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવવા છતાં, અર્થાત્ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું હોવા