૩૪૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છતાં પણ સ્યાદ્વાદનો કોપ નથી, અર્થાત્ અનેકાન્તનો એમાં વિરોધ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાન્તપણું છે. અહાહા...! આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ જ્ઞાનમાત્રવસ્તુ છે એમ કહેતાં જ એમાં સ્વયમેવ અનેક ધર્મો-અનેક ભાવ ઉદ્ભવે છે. જ્ઞાનમાત્ર વસ્તુ છે તે અનંતા પરજ્ઞેયપણે નથી એમ આત્મવસ્તુને અનેકાન્તપણું સિદ્ધ થઈ જાય છે. શરીર, મન, વાણી, કર્મ ઈત્યાદિ પરજ્ઞેય છે તે જ્ઞાનમાં નથી. જ્ઞાન જ્ઞાનપણે છે, ને તેમાં પરજ્ઞેયના અભાવરૂપ નાસ્તિપણું પણ છે. આમ જ્ઞાનમાત્ર વસ્તુના અસ્તિ- નાસ્તિ એમ બે સ્વભાવો-ધર્મો છે. નાસ્તિમાં પરની અપેક્ષા ભલે હો, પણ તે છે વસ્તુનો ધર્મ. જ્ઞાનમાત્ર કહેતાં જ્ઞાન પણ આવ્યું ને પરજ્ઞેયની નાસ્તિ પણ તેમાં આવી ગઈ. આમ તેમાં સહજ જ અનેકાન્તપણું છે. જેમ અમુક ભાઈને બોલાવો એમ કહેતાં જ એમાં બીજા બધાનો સહેજે નિષેધ થઈ જાય છે. તેમ ચૈતન્યપ્રકાશની મૂર્તિ આત્મા એમ કહેતાં જ તેમાં સ્વયમેવ અનેક ધર્મો આવી જાય છે. આવો પ્રત્યેક વસ્તુનો અનેકાન્તસ્વભાવ છે. સમજાણું કાંઈ...!
‘ત્યાં (અનેકાન્તનું એવું સ્વરૂપ છે કે), જે (વસ્તુ) તત્ છે તે જ અતત્ છે,....’ જુઓ, આ સ્યાદ્વાદ ન્યાય! જ્ઞાનમાત્રવસ્તુ જે તત્ છે તે જ અતત્ છે. અહાહા....! તત્-અતત્ બન્ને વસ્તુના ધર્મ છે. જે તત્ છે તે જ અતત્ છે; એટલે શું? કે આત્મા જ્ઞાનસ્વરૂપથી અંદર તત્ છે, તે-પણે છે, ને પરજ્ઞેયસ્વરૂપથી અતત્ છે અર્થાત્ તે-પણે નથી, પરજ્ઞેયપણે નથી. આ પ્રમાણે વસ્તુમાં એકીસાથે બન્ને ધર્મો સિદ્ધ થઈ ગયા, અર્થાત્ વસ્તુ અનેકાન્તસ્વરૂપ સિદ્ધ થઈ ગઈ.
હવે આત્મવસ્તુ પરરૂપે નથી તો પર એને શું નુકશાન કરે? પર એને શું લાભ કરે? તથા જે પરવસ્તુ પરપણે છે, આત્માપણે નથી તેનું આત્મા શું કરે? કાંઈ ન કરે. આ વાણી-ધ્વનિ ઉઠે છે તે શું આત્મા છે? ના; એ તો જડ-અજીવ પર છે. તો તે આત્માનું શું કરે? વાણી જો આત્મા નથી તો વાણીથી જ્ઞાન થાય? ન થાય.
હા, પણ તેનો પ્રભાવ તો પડે ને! આપની વાણીનો પ્રભાવ તો પડે છે ને? ધૂળેય પ્રભાવ ન પડે સાંભળને. પ્રભાવ શું છે? દ્રવ્ય, ગુણ, પર્યાય-કાંઈક તો હશે ને! પણ અહીં કહે છે- આત્મવસ્તુ જે સ્વસ્વરૂપથી તત્ છે તે પરપણે અતત્ છે. તેથી પરનો-વાણીનો આત્મવસ્તુમાં પ્રભાવ હોઈ શકતો નથી. અરે ભાઈ! ગુરુના શ્રી મુખેથી વાણી નીકળે છે તે કાળે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની પર્યાય છે કે નથી? તો શું તે ભાષાને લઈને થઈ છે? ભાષાથી તો તે અતત્ છે; તે ભાષાથી કેમ થાય? ન થાય. જ્ઞાનગુણ ત્રિકાળ છે તેની તે પર્યાય પોતાથી થઈ છે. આવું વસ્તુસ્વરૂપ છે.