થાય છે અને તે જ પ્રથમ ધર્મ છે. એ વિના બધું એકડા વિનાનાં મીંડા જેવું છે. અરે! આ શેઠિયા બિચારાઓને આ સમજવાની નવરાશ ન મળે એ બધા મોટા મજુર છે. રાત- દિ’ પાપની મજૂરી કર્યા કરે છે! ભલે રોજના લાખ બે લાખ પેદા કરે, પણ તેથી શું! તે મોટા મજુર જ છે. બહારના મજુર તો રોજ આઠ કલાક કામ કરે, પણ આમને તો નવરાશ જ નહિ! આખો દિ’ વેપાર-વેપાર-વેપાર! (ભાઈ! આ તો રોજ ફુરસદ લઈ સ્વાધ્યાય વડે તત્ત્વનિર્ણય કરવાનો અવસર છે).
અહીં કહે છે-જ્ઞાનસ્વરૂપ વસ્તુ જે તત્ છે તે જ અતત્ છે. અહાહા...! કહે છે-તે છે, તે નથી. તે છે એટલે પોતે સ્વસ્વરૂપથી છે, અને તે નથી એટલે પોતે આ જે પરજ્ઞેય છે તે-પણે નથી. અહા! જુઓ ને, પહેલા ધડાકે જ બધું (અજ્ઞાન) ઉડાવી દીધું. ભાઈ! આ રીતે જો તું વસ્તુને ન માને તો બીજી કોઈ રીતે વસ્તુ સિદ્ધ નહિ થાય.
અહાહા....! ભગવાન આત્મા જે તત્ છે તે જ અતત્ છે. આત્મવસ્તુ જે તે- સ્વરૂપે છે તે તે-સ્વરૂપે નથી. ઝીણી વાત છે ભાઈ! ભગવાન આત્મા જે ચૈતન્યના પ્રકાશસ્વરૂપે છે તે પરસ્વરૂપે નથી; કર્મ, મન, વાણી, શરીર ઈત્યાદિ જડસ્વરૂપે આત્મા નથી. ભાઈ! આવો યથાર્થ નિર્ણય કરે તો અંદર તત્ત્વ સધાય છે. જ્ઞાનમાત્ર-પણે એને જોતાં અંદર સમ્યગ્દર્શન થાય છે, અને ત્યારે એને ધર્મની શરુઆત થાય છે. આ વિના બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ....?
અહા! જાણગ... જાણગ.... જાણગ જાણનાર વસ્તુ જે તત્ છે તે જ અતત્ છે. અર્થાત્ આત્મવસ્તુ પોતાના સિવાય બીજી કોઈ ચીજપણે-શરીર-મન-વાણીપણે કે દેવગુરુશાસ્ત્રપણે નથી મતલબ આત્મા ક્યાંય પરમાં (નિમિત્તમાં) જતો નથી, અને પર, (નિમિત્ત) કોઈ ચીજ અહીં આત્મામાં પેસતી નથી. હવે આમ છે ત્યાં નિમિત્તથી (પરથી) આત્મામાં કાંઈ થાય એ વાત ક્યાં રહી? જ્ઞાન જ્ઞાનપણે છે, ને બીજી કોઈ ચીજપણે-નિમિત્તપણે તે નથી એમ હોતાં નિમિત્તથી આંહી (-આત્મામાં) જ્ઞાન થાય એ વાત જ રહેતી નથી. આ તો ન્યાયથી-લોજીકથી વાત છે.
અહા! તારી ચીજ જ (આત્મવસ્તુ જ) એવી છે ને પ્રભુ! કે તે પોતાથી તત્પણે છે ને પરચીજથી-શરીર, મન, વાણી, ઈન્દ્રિયથી-અતત્પણે છે. વળી તે પરપદાર્થો પોતાથી તત્પણે છે, ને જ્ઞાનથી-આત્માથી અતત્પણે છે. હવે જે-પણે આત્મા-પોતે નથી તેનું એ શું કરે? કાંઈ જ ન કરે. અને જે-પણે (આત્માપણે) પરવસ્તુ નથી તેનું (-આત્માનું) પરવસ્તુ શું કરે? કાંઈ જ ન કરે. જુઓ, આ આંગળી છે તે પોતાપણે તત્ છે, પણ તે જ અતત્ છે અર્થાત્ બીજી આંગળીપણે નથી. આ એક આંગળી છે તે બીજી આંગળીપણે નથી, તો એનું આ શું કરે? ન્યાય સમજાય છે કાંઈ...?