૩૬૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
સમાધાનઃ– કોણ કરે, ભાઈ! એના થવા કાળે એ થાય છે, અને એનો કર્તા એ (પુદ્ગલ) પદાર્થ છે, બીજો કોઈ એનો કર્તા નથી, આત્મા એનો કર્તા નથી, કેમકે આત્મા એમાં પ્રવેશતો નથી. જેમાં જે પ્રવેશે તેને તે રચે. તે મંદિર આદિમાં આત્મા ક્યાં પ્રવેશે છે કે આત્મા તેને રચે? વળી તે પદાર્થો આત્મામાં કયાં છે કે તેને લઈને અહીં જ્ઞાન-દર્શનની રચના થાય? તે પદાર્થો વડે તો આત્માને અતત્પણું જ છે. આવી વાત! સમજાણું કાંઈ....!
હવે કહે છે- ‘સહભૂત (-સાથે) પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્યઅંશોના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે, અને અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ (-ચૈતન્યના અનંત અંશોરૂપ) પર્યાયો વડે અનેકપણું છે;.....’
ભાઈ, ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. કહે છે- આત્મા વસ્તુ છે તેમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણો સહભૂત એટલે સાથે-અક્રમે રહેલા છે, અને પર્યાયો ક્રમે પ્રવર્તે છે. જેમ સોનામાં પીળાશ, ચીકાશ, વજન વગેરે ગુણો સાથે રહેલા છે, અને કડાં, કુંડળ આદિ અવસ્થાઓ ક્રમે પ્રગટ થાય છે તેમ આત્મા વસ્તુ છે તેને જ્ઞાન, દર્શન, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ગુણો ત્રિકાળ એક સાથે રહેલા છે, અને પર્યાયો એક પછી એક એમ ક્રમે પ્રવર્તે છે. જેમકે જ્ઞાનની એક સમયે એક પર્યાય, પછી બીજા સમયે બીજી, પછી ત્રીજી ઈત્યાદિ.
હવે કહે છે- આ સાથે રહેનારા જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણો અને ક્રમે એક પછી એક પ્રગટ થનારી પર્યાયો -એ બધા ચૈતન્યના અંશો છે. એના સમુદાયરૂપ અભેદ- અવિભાગ-જેના ભંગ-ભેદ ન પડે -એવી દ્રવ્ય-વસ્તુ તે વડે આત્માને એકપણું છે; અર્થાત્ તે વડે આત્મા એક છે. જુઓ, આત્મા એક છે એની આ વ્યાખ્યા કરી. બધાં દ્રવ્યો મળીને એક છે એમ નહિ. અનેક દ્રવ્યો તો બધાં અનેક પૃથક્ જ છે. અહીં તો આત્મામાં અનંત ગુણ તથા તેની ક્રમે થતી પર્યાયો તે તેના અંશો છે અને તેના સમુદાયરૂપ અભેદ એકરૂપ તેને એકપણું કહે છે. અહા! (અનંતગુણોથી) અભેદ એક ઉપર નજર પડતાં દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થાય છે ને ત્યારે પર્યાય જે અનેક છે એમાં અમૃતનો સ્વાદ આવે છે. ભાઈ! આ અનેકાન્ત તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા જૈનદર્શનનો મહા-સિદ્ધાંત છે.
ભગવાનનો માર્ગ અહિંસા છે એમ લોકો કહે છે ને? પણ એનું રહસ્ય શું? ભગવાન આત્મા અનંતગુણનો અભેદ એક પિંડ પ્રભુ છે એની સન્મુખ થતાં જે નિર્મળ, વીતરાગી દશા પ્રગટ થાય તેને ભગવાન અહિંસા કહે છે; અને પરદ્રવ્યના લક્ષે થતી શુભ કે અશુભ રાગની ઉત્પત્તિને હિંસા કહે છે.