૩૬૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ એકલું અમૃત કાઢયું છે. (એમ કે અંતર્મગ્ન થઈ તેનું પાન કર).
ભાઈ! પોતાનો સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ નક્કી કર્યા વિના ધર્મ થઈ શકે જ નહિ. એક સમયની પર્યાયમાં જેને સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું પ્રગટ થયું છે એનો નિર્ણય કરવા જાય એને અંતરંગમાં સર્વજ્ઞ-સર્વદર્શી નિજ સ્વભાવ છે એની દ્રષ્ટિ અને નિર્ણય થાય છે અને એનું નામ ધર્મ છે, અંતર્દ્રષ્ટિ થવી તે પ્રથમ ધર્મ છે. લોકો તો ભગવાનની ભક્તિ કરે ને ઉપવાસ કરે ને એમાં ધર્મ માને; પણ બાપુ! તું જેને ઉપવાસ માને છે તે ઉપવાસ નથી. ઉપવાસ કોને કહીએ? ‘ઉપવસતિ ઈતિ ઉપવાસઃ’ શુદ્ધ ચૈતન્યની સમીપમાં વસવું તે ઉપવાસ છે, બાકી તો ઉપવાસ નહિ પણ ‘અપવાસ’ નામ માઠો વાસ છે. શુભરાગમાં વાસ તે માઠો વાસ (દુર્ગતિમાં વાસ) છે. અહા! પુણ્યભાવને જ્યાં સુધી પોતાનો માને, કરવા જેવો માને, કરતાં કરતાં ધર્મ થશે એમ હિતરૂપ માને ત્યાં સુધી નિજ ચૈતન્યસ્વરૂપ શુદ્ધ અંતઃતત્ત્વની દ્રષ્ટિ થતી જ નથી, અને એના વિના બધું થોથેથોથાં જ છે. અરે, લોકોને આત્મ-વ્યવહાર શું છે એનીય ખબર નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય, ને તેના આશ્રયે પ્રગટ થતી નિર્મળ રત્નત્રયની પરિણતિ તે વ્યવહાર. આ આત્મવ્યવહાર છે. તેને ગૌણ કરી શુદ્ધ એક નિશ્ચયને આદરવો-બસ એ જ કર્તવ્ય છે. બાકી તો “બુદ્ધિ વિનાના બાવા બને, ને ભવસાગરમાં ડૂબી મરે” એના જેવી વાત છે.
વળી અહીં કહે છે- ‘પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસત્પણું છે.’
જોયું? પરનું દ્રવ્ય, પરનું ક્ષેત્ર, પરનો ભાવ ને પરની પર્યાયરૂપે નહિ થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે. આ શરીર છે ને? તે રૂપે-શરીરની અવસ્થારૂપે નહિ થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે. તે જ પ્રમાણે કર્મના ઉદયરૂપે નહિ થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે. આ એક આંગળી છે ને! તેનો બીજી આંગળીરૂપે નહિ થવાની શક્તિરૂપ સ્વભાવ છે. હવે આવી વાત છે ત્યાં લોકો તો બીજાને મારું, ને બીજાને જીવાડું, ને પૈસા કમાઉં ને પૈસા દઉં ઈત્યાદિ પરનું કરવાનું માને છે. પણ બાપુ! પરની અવસ્થાપણે નહિ થવાની શક્તિરૂપ તારો સ્વભાવ છે. અહાહા....! કર્મ શું? કે શરીર શું? કુટુંબ-પરિવાર શું? કે દેવ-ગુરુ-શાસ્ત્ર શું? સર્વ પરદ્રવ્યના, એના ક્ષેત્રના, એના ભાવ- ગુણના અને એની વર્તમાન અવસ્થાના સ્વરૂપે નહિ થવાની શક્તિરૂપ આત્મસ્વભાવ છે. સ્ત્રીના દેહની અવસ્થાપણે કે મકાનની અવસ્થાપણે આત્મા કદીય ન થાય એવો એનો સ્વભાવ છે. અહાહા...! આત્માનો પોતાની પર્યાયરૂપે થવાનો જેમ શક્તિરૂપ સ્વભાવ છે, તેમ તેનો પરની પર્યાયરૂપે નહિ થવાની શક્તિરૂપ સ્વભાવ છે.
પણ પુરુષ પોતાની પત્નીનો પતિ તો ખરો ને?