કહીએ, પણ ક્ષેત્ર અપેક્ષાએ બધામાં એક (વ્યાપક) થઈને રહે છે એમ ત્રણકાળમાં વસ્તુ નથી.
અરે! લોકોને બિચારાઓને હું અનંતગુણનો પિંડ પ્રભુ છું, સ્વાધીન છું, મારી વર્તમાન પરિણતિ મારાથી થાય છે અને પરથી થતી નથી એ વાત બેસતી નથી! વળી જ્ઞાન થવા કાળે સામે જ્ઞેય એવું જ હોય છે તેથી તેમને એમ ભાસે છે કે સામે જ્ઞેય છે માટે મારા જ્ઞાનનો આકાર (પરિણામ) આવો થયો. મારી પર્યાયનો જ આવા આકારપણે (જાણવાપણે) થવાનો સ્વભાવ છે માટે હું થયો છું, પરથી થયો નથી એમ બેસતું નથી! તેથી જ એ લોકો વારંવાર સંદેહ -શંકા કરે છે કે દિવ્યધ્વનિથી તો લાભ થાય ને? કર્મને લઈને આત્મામાં વિકાર થાય ને? જ્ઞેયને લઈને અહીં જ્ઞાન થાય ને? લોકોને આ શંકા જ (આત્મલાભ થવામાં) બહુ નડે છે.
જુઓ, આ અરીસો છે ને? તે અરીસા સામે શ્રીફળ, ગોળ, કોલસા આદિ જે મૂકયું હોય તેવું અરીસામાં દેખાય છે. ત્યાં (ખરેખર તો) અરીસાની પોતાની અવસ્થારૂપે અરીસો થયો છે, અરીસો (શ્રીફળ, ગોળ આદિ) પરરૂપે થયો નથી. જે (પ્રતિબિંબ) દેખાય છે તે અરીસાની જ અવસ્થા છે, અને તે સામે જેવી પર ચીજ છે તેવી થવા છતાં, પરચીજથી થઈ નથી. તેમ જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે તે જ્ઞાનની જ અવસ્થા છે, જેવું જ્ઞેય છે તેવું જણાય છે છતાં તે જ્ઞેયથી થઈ નથી, જ્ઞેયકૃત નથી. જ્ઞાન જ પોતાની અવસ્થાએ તેપણે થયું છે. સમજાણું કાંઈ....? આ ભગવાન કેવળીની વાણીમાં આવેલી વાત છે. પણ અરે! ભ્રાન્તિવશ લોકોને બેસતી નથી!
‘સ્વરૂપમાં પ્રવૃત્તિ ને પરરૂપથી વ્યાવૃત્તિ’ -એમ કહીને તો આખો ન્યાય મૂકી દીધો છે. ભગવાન આત્મા જ્ઞાનમાત્ર છે તો એની સાથે જ્ઞાનમાત્રનું સ્વાધીનપણું, આનંદપણું પણ છે જ. તેથી સ્વાધીનપણે આત્મા દ્રવ્ય-ગુણ ને વર્તમાન પર્યાયમાં આનંદપણે વર્તે છે અને દુઃખ અને પરથી નિવર્તે છે. એવું જ એનું સ્વરૂપ છે ભાઈ! અહીં કહે છે-પ્રભુ! તું આત્મા વસ્તુ છો તે દ્રવ્યપણે, જ્ઞાન, દર્શન આદિ અનંતગુણપણે અને તેને જાણનારી-શ્રદ્ધનારી-અનુભવનારી પર્યાયપણે સત્ છો, ને પરદ્રવ્ય અને પરભાવોથી અસત્ છો. માટે ભગવાનની વાણીને લઈને તારામાં જ્ઞાન-શ્રદ્ધાનની પર્યાય થઈ છે એમ છે નહિ. તારા ગુણનું જે પરિણમન સમયે-સમયે થાય છે તે તે દશામાં તું પ્રવૃત્ત છો, ને પરથી તો વ્યાવૃત્ત (ભિન્ન) છો. માટે પરને-દેવ-ગુરુ-શાસ્ત્રને લઈને તારા ગુણનું પરિણમન છે એમ છે નહિ. તેવી રીતે કર્મને લઈને વિકાર થાય છે એમ પણ છે નહિ.
બાપુ! આ તો વીતરાગ સર્વજ્ઞદેવનાં વચનો છે ભાઈ! પોતાનું પરિણમન સ્વથી છે, અને પરથી નથી એવું જાણતાં પરથી સાચી ઉદાસીનતા થઈ આવે તેને સાચો વૈરાગ્ય કહે છે. ચાહે સર્વજ્ઞદેવ ત્રિલોકીનાથ હો કે એની વાણી હો, એનાથી આત્મા