૩૭૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ વ્યાવૃત્ત-નિવૃત્ત જ છે. ભાઈ! ભગવાન તો પોતાના સ્વરૂપમાં જ પ્રવૃત્ત છે, અને આ આત્મા તો એનાથી સદા નિવૃત્ત જ છે. આમ પોતાથી પ્રવૃત્તિ અને પરથી નિવૃત્તિ હોવાથી મારી પર્યાય મારાથી જ થાય, નિમિત્ત કે પરથી ન થાય એ સિદ્ધાંત છે. સ્વને જાણતાં બીજી ચીજ છે એનું જ્ઞાન થાય તે કોઈ બીજી ચીજને લઈને થયું છે? જરાય નહિ. એ તો જ્ઞાન જ પોતે તદ્રૂપે પરિણમ્યું છે, એમાં બીજી ચીજનું કાંઈ જ કામ નથી. ભાઈ! પરથી આત્મામાં કાંઈ થાય કે આત્માથી પરમાં કાંઈ થાય તો તો બધું ભેળસેળ-એક થઈ જાય; પણ એમ છે નહિ. અહો! આ તો આચાર્ય અમૃતચંદ્રદેવે એકલાં અમૃત રેડયાં છે. ‘અમૃત વરસ્યાં રે પંચમકાળમાં.’ સાક્ષાત્ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માને હાજર કર્યો છે.
ભાઈ! ખોટી તકરાર કરવી રહેવા દે બાપુ! એકવાર તારી ચીજ શું છે તે ખ્યાલમાં લે તો અંદર સર્વ સમાધાન થઈ જશે. અહાહા....! અંદર જો તો ખરો! તું પોતે જ ચૈતન્યસ્વરૂપ ભગવાન છો. ‘ભગ’ નામ જ્ઞાનાનંદની લક્ષ્મી ને ‘વાન’ એટલે વાળો. અહાહા...! જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરપૂર અંદર ભગવાન છો ને પ્રભુ! તારા આનંદ માટે તને બીજી ચીજની ગરજ ક્યાં છે? અંતર્મુખ થાય કે આનંદનો ભંડાર અંદર ખુલી જાય છે; આનંદને બહારમાં ખોજવાની ક્યાં જરૂર છે? અને બહારમાં છે પણ ક્યાં? બાપુ! દેવ-ગુરુ-શાસ્ત્રથી પણ તારો આનંદ નથી. બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર ભલે હો, પણ અંતર-સન્મુખ થયા વિના દેવ-ગુરુ-શાસ્ત્રથી તારા આનંદનું પરિણમન થાય એમ છે નહિ. અને પરથી ખસી સ્વસન્મુખ પરિણમતાં જ આનંદનું પરિણમન થઈ જાય છે, કેમકે પોતે જ આનંદસ્વરૂપ છે. સમજાણું કાંઈ...? અહા! આ તો વીતરાગની વાણી બાપા! ‘જેણે જાણી તેણે જાણી છે.’ જ્યાં પરિણમનમાં સ્વીકાર થયો કે હું મારાપણે છું, ને પરપણે નથી ત્યાં એને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું નિર્મળ પરિણમન શરું થઈ જાય છે અને તે આનંદની દશા છે, તે જ ધર્મ છે.
ભાઈ! એક એક પરમાણુ પણ પોતાથી છે, ને પરથી-આ આત્માથી કે બીજા પરમાણુથી નથી. આ એક પાણીનું બિંદુ છે ને! એમાં અનંત પરમાણુ છે. તે દરેક પરમાણુ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી સત્ છે, ને પરથી (બીજા પરમાણુથી) અસત્ છે. એટલે કે પોતાથી પ્રવૃત્ત છે ને પરથી વ્યાવૃત્ત છે. હવે એક પરમાણુ બીજા પરમાણુથી અસત્ હોવાથી તેની પર્યાયને કરે નહિ તો આત્મા જડની પર્યાયને કરે એ કેમ બને? કદીય ના બને; કેમકે બન્નેમાં પરસ્પર અત્યંતાભાવ છે. ભાઈ! આત્માનું સત્પણું પોતાની વસ્તુ- ગુણને પરિણતિથી છે. અને પરથી તે અસત્ છે. આ અનેકાન્ત છે. સ્વની અપેક્ષા પર ચીજ અસત્ છે, ને પરચીજની અપેક્ષા સ્વ નામ આત્મા અસત્ છે. આવી વાત!