આ રીતે સમસ્ત વસ્તુઓ સ્વરૂપમાં પ્રવૃત્તિ ને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે, અર્થાત્ બન્ને ભાવો વસ્તુમાં રહેલા છે. જેમકે - આ એક આંગળી પોતાપણે છે ને તે બીજી આંગળીપણે નથી. આ રીતે તે પોતામાં પ્રવૃત્તિપણે અને બીજી આંગળીથી વ્યાવૃત્તિપણે છે. આવું જ વસ્તુનું સહજ સ્વરૂપ હોવાથી શરીર આમ રહે, ને આંખો આમ બંધ કરીએ તો ધ્યાન થાય એવી માન્યતા બરાબર નથી, કેમકે શરીરની અવસ્થા ને આંખો બધું પર છે. આંખોનું ખુલ્લું રહેવું કે બંધ રહેવું ને શરીરની અમુક અવસ્થા રહેવી એ બધું ભગવાન આત્મામાં છે જ નહિ.
અહા! આ ચૈતન્યદેવની લીલા તો જુઓ, જાણનારો જાણગસ્વભાવી પ્રભુ પોતે જ જ્ઞાન છે, ને પોતે જ જ્ઞેય પણ છે. પ્રમાણ પણ પોતે ને પ્રમેય પણ પોતે જ છે. દ્વૈતને નિષેધવું અશક્ય છે એમ કહ્યું ને! પોતે જાણવાના ભાવપણે પ્રમાણ છે, અને પોતે પોતામાં જણાવાના ભાવપણે પ્રમેય પણ છે. આમ એક જ્ઞાન-પ્રમાણમાં દ્વૈત છે, ભેદ છે.
ભાઈ! આ એક વાત યથાર્થ સમજે તો નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય, ને ક્રમબદ્ધ ન થાય ઇત્યાદિ બધી તકરારો મટી જાય. કેટલાક કહે છે કે-હોનહાર (જે કાળે જે થવાનું હોય તે કાળે તે જ થાય) એમ કહીને તમે બધું નિયત કહેવા માગો છો, તેને કહીએ છીએ કે-હા ભાઈ! એ સમ્યક્ નિયત જ છે. જે સમયે વસ્તુનો જે પર્યાય સ્વકાળે પ્રવર્તીત છે તે પરને લઈને તો નહિ પણ બીજી પર્યાય જે બીજે સમયે થવાની હોય કે થઈ હોય તે પર્યાયને લઈને પણ નહિ. તે પર્યાય તે સમયે નિયત જ છે. વસ્તુ જે વર્તમાન-વર્તમાન પરિણમે છે તે પોતાની પર્યાયથી સ્વતંત્ર જ પરિણમે છે. આવી જ વસ્તુસ્થિતિ છે ત્યાં શું થાય?
અત્યાર સુધી ટુંકામાં જે કહેવાયું તેનો હવે વિસ્તાર કરે છેઃ- ‘ત્યાં, જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ (-આત્મા), શેષ (બાકીના) ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા-જ્ઞેયના સંબંધને લીધે અને અનાદિ કાળથી જ્ઞેયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પરરૂપે માનીને (અર્થાત્ જ્ઞેયરૂપે અંગીકાર કરીને) અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-રૂપથી (-જ્ઞાનરૂપથી) તત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાન્ત જ (સ્યાદ્વાદ જ) તેને ઉદ્ધારે છે-નાશ થવા દેતો નથી.’
શું કીધું આ? કે આ આત્મા પોતાનાથી અન્ય પદાર્થો સાથે નિજ રસથી પ્રવર્તેલા જ્ઞાતા-જ્ઞેયના સંબંધને લીધે-પોતે જ્ઞાતા છે ને બીજા પદાર્થો જ્ઞેય છે એવા સહજ સંબંધને લીધે -અનાદિકાળથી જ્ઞેયોના પરિણમનથી પોતાનું (જ્ઞાનનું) પરિણમન છે એમ માની બેઠો છે. જ્ઞાનમાં જ્ઞેય જણાતાં જ્ઞેયને લઈને મારું પરિણમન છે એમ તે