૩૮૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
તત્-અતત્, એક-અનેક-એમ ચાર બોલ થયા. હવે પાંચમો બોલઃ- ‘જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને -અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે- નાશ પામવા દેતો નથી.’
શું કહે છે? કે આ જ્ઞાનસ્વરૂપ આત્મવસ્તુ, એના જ્ઞાનમાં શરીરાદિ પરદ્રવ્યમય ચીજો જાણવામાં આવતાં, પોતાથી ભિન્ન તે અનંતા દ્રવ્યો પર છે એમ ન માનતાં તે હું છું એમ માનીને નિજ જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે. અહા! શરીર, વાણી, કર્મ ઈત્યાદિ પરદ્રવ્યને જાણવાપણે થયો તે જાણનાર હું છું એમ ન માનતાં પરદ્રવ્યનું પરિણમન જે જાણવામાં આવ્યું તે હું છું એમ પોતાને પરદ્રવ્યરૂપ કરીને પોતાનો અભાવ-નાશ કરે છે. નાશ કરે છે એટલે વસ્તુ નાશ પામે છે એમ નહિ. વસ્તુ તો જેવી ને તેવી ધ્રુવપણે છે, પણ મિથ્યાશ્રદ્ધાન વડે તે મિથ્યાત્વને સેવે છે, ને દુઃખને અનુભવે છે.
આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પૈકી પહેલો દ્રવ્યનો બોલ ચાલે છે. શું કહે છે? કે પરદ્રવ્યના શરીરાદિરૂપ પરિણમનને જાણવાના કાળે અજ્ઞાનીનું લક્ષ પર ઉપર હોય છે. એટલે પરદ્રવ્યની શરીરાદિ જે જે દશાઓ થાય તે હું છું અર્થાત્ પરદ્રવ્ય હું છું એમ અંગીકાર કરીને તે પોતાના સ્વદ્રવ્યનો-જ્ઞાતૃદ્રવ્યનો લોપ કરે છે, ઈન્કાર કરે છે. વાસ્તવમાં જે પરનું પરિણમન છે તે પરરૂપ છે, આત્મરૂપ નથી; ને તેનું પોતામાં જ્ઞાન જે થાય તે પોતાનું છે, પોતે છે. પણ એમ ન માનતાં અજ્ઞાની જીવ આ પરદ્રવ્યનું પરિણમન છે તે હું છું અર્થાત્ એનાથી હું છું એમ અંગીકાર કરીને, સ્વ-પરને એક કરતો થકો સ્વનો નાશ કરે છે. સમજાય છે કાંઈ......?
અનાદિથી જીવને પરદ્રવ્યનું લક્ષ છે, સ્વદ્રવ્યનું લક્ષ નથી. એટલે તે પરની હયાતીમાં પોતાની હયાતી ભાળે છે. પૈસા વિના ન ચાલે, અન્નપાણી વિના ન ચાલે, મકાન વિના ન ચાલે-એમ પરથી જ મારું જીવન છે એમ તે માને છે. મૂઢ છે ને! સ્વદ્રવ્યપણે પોતે અનાદિ-અનંત સત્ હોવા છતાં, એને લક્ષ્ય અને ધ્યેય ન બનાવતાં પરને લક્ષ્ય અને ધ્યેય બનાવી પોતાને પરદ્રવ્યરૂપ કરે છે અને એ રીતે પોતાનો - સ્વદ્રવ્યનો અભાવ કરે છે, અર્થાત્ સ્વાનુભૂતિ કરતો નથી.
ત્યારે ધર્મી પુરુષ, હું એક આત્મા-જ્ઞાતૃદ્રવ્ય મારા સ્વદ્રવ્યપણે સત્ છું, મને પરદ્રવ્યથી શું કામ છે? -એમ જાણે-માને છે અને અંતર્મુખ થઈ પોતાના સત્ને અનુભવે છે. અહા! મારા સ્વદ્રવ્યથી હું છું એમ સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો અર્થાત્ સ્વસત્તામાં પોતાની દ્રષ્ટિ સ્થાપતો જ્ઞાની પુરુષ અનેકાન્ત તત્ત્વનો આદર કરીને પોતાને જિવાડે છે. અહા! અનેકાન્તનો આવો અલૌકિક મહિમા છે.