ધર્મી આ વાસ્તવિક વસ્તુ-સ્થિતિને સ્વીકારતો થકો યથાર્થદ્રષ્ટિ વડે પોતાનું જીવન સુરક્ષિત રાખે છે, નાશ થવા દેતો નથી.
પર્યાય વિકારી હો કે અવિકારી, એ અનેક પર્યાયપણે થવાનો મારો સ્વભાવ છે, એ અનેક પર્યાયપણે હું છું, અર્થાત્ મારી વિકારી પર્યાય પણ પરને લઈને થઈ છે એમ નથી- આવું ધર્માત્માને (અંતરસન્મુખના વલણમાં) જ્ઞાન થાય છે. તેને અનેકપણામાં જે રાગાદિ ને નિર્મળ પર્યાય થાય છે એનો ભેદ (ભેદજ્ઞાન) વર્તે છે, અને એ રીતે તે કેવળ રાગનો જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. સાથે રહેવું જ્ઞાન જાણે છે કે પર્યાય અપેક્ષાએ રાગ મારામાં છે. આમ સત્યાર્થ દ્રષ્ટિ દ્વારા ધર્મી પુરુષ પોતાના જીવનને ટકાવી રાખે છે, આ અનેકાન્તનું ફળ છે.
પ્રશ્નઃ– જ્ઞાની પર્યાયમાં દુઃખને વેદે નહિ, દુઃખને જાણે અને વેદે એમ જો કહો તો જ્ઞાતાદ્રષ્ટાપણું ક્યાં રહ્યું?
ઉત્તરઃ– દુઃખને જાણે કહો કે વેદે કહો-એક જ વાત છે. દુઃખને દુઃખરૂપે જાણે-વેદે નહિ તો દુઃખ ક્યાં આવ્યું? એકલો આનંદ આવ્યો. પણ ધર્મીને આનંદની સાથે જ દુઃખનું પણ વેદન છે. આ દુઃખ છે એ પોતે જ વેદન છે. એક પર્યાયમાં ધર્મીને આનંદ અને દુઃખ બન્નેનું વેદન છે. આમ ન માનવામાં આવે તો વસ્તુ સિદ્ધ નહિ થાય. એને દુઃખ-દોષ છે એનો જ્ઞાતા-દ્દષ્ટા કહીએ એ તો દ્રવ્યદ્રષ્ટિથી વાત છે, પણ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાન (આત્મા) દોષ-દુઃખને વેદે છે. દોષ શું કાંઈ અદ્ધર (બહાર) થાય છે? ના; તો દોષનું- દુઃખનું વેદન છે.
પ્રશ્નઃ– જ્ઞાની રાગને-દુઃખને જાણે છે, તો તે જ્ઞાતા છે કે ભોક્તા છે? ઉત્તરઃ– જ્ઞાતાય છે ને ભોક્તાય છે. તે આ રીતે -સ્વભાવની દ્રષ્ટિએ તે જ્ઞાતા છે, કર્તા-ભોક્તા નથી; પણ પર્યાયનું જ્ઞાન કરવાની અપેક્ષાએ તે કર્તા-ભોક્તા છે, વેદક છે. આમ જો ન સ્વીકારવામાં આવે તો દુઃખનું વેદન પરદ્રવ્યને છે એમ (આપત્તિ) આવશે. જ્ઞાનીને કર્મધારા છે એનો અર્થ શું થયો? કે પર્યાયના વેદનની અપેક્ષા તેને દુઃખનું વેદન છે. આમ ન માને એ એકાન્ત છે. આવો મારગ! કોઈને થાય કે વ્રત પાળવાં, ને દયા કરવી ને વિધવાઓનાં આંસુ લૂછવાં, દીન-દુઃખિયાને ભોજન-વસ્ત્ર દેવાં એની વાત તો કરતા નથી. એવી વાત તો ભાઈ! અન્યમતમાં પણ ખૂબ આવે છે, પણ એ તો બધો રાગ છે બાપુ! એનાથી ધર્મ થાય એમ માને એ તો મૂઢપણું છે. લોકોને કાંઈ ખબર ન મળે અને પરમાં ને પરમાં રોકાઈ રહે, પણ એ તો જીવનનો ઘાત કરવાપણું છે; કેમકે પરનાં કામ આત્મા ત્રણકાળમાં પણ કરી શકતો નથી. સમજાણું કાંઈ....?