ગાથા ૨૬ ] [ ૧૦૩ માન્યતા જેની છે તે મિથ્યાદ્રષ્ટિ છે. કેમકે જીવનું જીવન-મરણ તેના આયુકર્મને આધીન છે, તથા પર વસ્તુને આત્મા ગ્રહી કે છોડી શક્તો નથી. વળી પ્રવચનસાર ગાથા ૧૭૨ના અલિંગગ્રહણના વીસ બોલમાં ૧૩ મો બોલ છે. એમાં આવે છે કે પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ (મન, વચન અને કાય) શ્વાસોચ્છ્વાસ અને આયુ એ દશ પ્રાણથી જીવનું જીવન છે જ નહિ. નિશ્ચયથી એનું જીવન અંતર જીવતર-જ્ઞાનદર્શનરૂપ ચેતન પ્રાણથી છે. અશુદ્ધ- નિશ્ચયનયથી કહો તો એ ભાવેન્દ્રિયથી છે અને જડ દશ પ્રાણથી જીવે છે એ તો અસદ્ભૂત વ્યવહારનયથી કથન છે.
આ એક એક રજકણ છે એમાં અનંત શક્તિઓ-ગુણ છે. એમાં ક્રિયાવતી નામની એક શક્તિ-ગુણ છે. આ શરીર, મન, વાણી આદિનું જે હલન-ચલન થાય છે એ તો રજકણોની ક્રિયાવતી શક્તિને લઈને છે, પણ આત્માને લઈને નહિ. આ આંગળીને આત્મા હલાવે તો હાલે છે એમ ત્રણ કાળમાં નથી. એ તો એની (રજકણોની) ક્રિયાવતી શક્તિને લઈને હાલે છે. જડનું હાલવું જડના અસ્તિત્વમાં અને ચેતનનું હાલવું ચેતનના અસ્તિત્વમાં છે. ભાઈ! આ તો મૂળ વાત છે. જડ અને ચેતન બન્નેનો સ્વભાવ પ્રગટ ભિન્ન ભિન્ન છે. અહીં તો રાગ અને દયા, દાનનો જે વિકલ્ય ઊઠે એનો એ (અજ્ઞાની) ર્ક્તા થાય છે. એ જ્ઞાનસ્વરૂપ આત્મા એ વિકારને કેમ કરે? એ તો ચૈતન્ય જ્ઞાનસ્વરૂપી ભગવાન જ્ઞાતા-દ્રષ્ટાના ભાવથી ભરેલો છે. એ પરને શી રીતે મારે કે જીવાડે? એ રાગને શી રીતે કરે? આત્મામાં વિકાર કરવાની તો કોઈ શક્તિ નથી. એવો ગુણ નથી જે વિકાર કરે. વિકાર જે પર્યાયમાં થાય છે એ તો પર્યાયની યોગ્યતાથી પર્યાયમાં થાય છે, પણ કર્મથી નહિ અને દ્રવ્ય-ગુણથી પણ નહિ. ઝીણી વાત, ભાઈ. વીતરાગ માર્ગને અનંતકાળમાં સમજ્યો નથી.
વળી કોઈ એમ કહે છે કે શાસ્ત્રમાં કુંદકુંદાચાર્યે પુણ્યને વ્યવહાર ધર્મ કહ્યો છે અને વ્યવહારને સાધન કહ્યું છે. કહે છે-‘पुण्णफला अरहंता’ એટલે કે પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે. પરંતુ આ અજ્ઞાનીની ખોટી માન્યતા છે. પુણ્યનું ફળ અરિહંતપદ છે જ નહિ. પુણ્યના ફળમાં તો બહારના અતિશયની વાત લીધી છે. પ્રવચનસાર ગાથા ૪પની ટીકા જુઓ. પુણ્યનો વિપાક ભગવાનને-જ્ઞાનને અકિંચિત્કર છે એમ ત્યાં લીધું છે. વાત તો આવી છે. ગાથાના મથાળે ‘तीर्थकृतां पुण्यविपाकोऽकिंचित्कार एव’ પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે એમ કહ્યું છે. આત્માને પુણ્યનું ફળ કાંઈ કાર્યકારી નથી. અરિહંતને જે દેહાદિની ક્રિયા, વાણી નીકળવી, ચાલવું ઇત્યાદિ ક્રિયા છે તે પુણ્યના ફળરૂપ છે.