૩૯૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છોડી દઉં તો મારા ક્ષેત્રમાં હું આવી રહું, પરંતુ પરક્ષેત્રને જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. પરક્ષેત્રને જાણતાં જ્ઞાનમાં પરક્ષેત્રના આકારે જે જ્ઞાન થયું એ તો જીવનું સ્વરૂપ છે. પરક્ષેત્રના જ્ઞાનપણે પરિણમે એ તો જ્ઞાનનું સ્વરૂપ છે. એમાં પરક્ષેત્ર ક્યાં આવ્યું છે? અને જ્ઞાન પરક્ષેત્રમાં ક્યાં ગયું છે? તું તો પરક્ષેત્રને જાણવાકાળે પણ તારા સ્વક્ષેત્રમાં બિરાજમાન છો ને પ્રભુ! પણ અજ્ઞાનીને એમ છે કે આ પરક્ષેત્રને જાણનાર જ્ઞાનને છોડી દઉં તો સ્વક્ષેત્રમાં આવું, તેથી આ રીતે તે પરક્ષેત્રને જાણવાના ત્યાગ વડે જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે.
ત્યારે સ્વક્ષેત્રમાં રહીને પરક્ષેત્રગત જ્ઞેયોના આકારરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી અર્થાત્ સ્વસ્વરૂપમાં રહીને પર પદાર્થોને જાણવાનો આત્માનો સ્વભાવ હોવાથી પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો-પરક્ષેત્ર મારામાં નથી, પરક્ષેત્રથી હું નથી એમ પરથી પોતાનું નાસ્તિત્વ પ્રગટ કરતો અનેકાન્ત જ તેનો નાશ થવા દેતો નથી. આથી વિરુદ્ધ પરક્ષેત્રથી મારું અસ્તિત્વ છે, પરક્ષેત્રથી મને લાભ છે એમ માનનારા જૂઠા છે.
પ્રશ્નઃ– ક્ષેત્રથી કાંઈ ફેર નહિ પડતો હોય? સમોસરણના ક્ષેત્રથી, મહાવિદેહક્ષેત્રથી શું કાંઈ લાભ ન થાય?
ઉત્તરઃ– અરે ભાઈ! અનંતગુણધામ એવા સ્વક્ષેત્રમાં ધ્રુવ ચૈતન્ય-પરમેશ્વર વિરાજે છે, તેની પ્રીતિ ને રતિ કર તો લાભ થાય ને તો ફેર પડે; બાકી પરક્ષેત્રથી કાંઈ લાભ તે થાય, ને કાંઈ ફેર ના પડે.
જુઓ, મહાવિદેહમાં કોઈ સંત-મુનિવર હોય ને કોઈ દુશ્મન-દેવ એને ઉપાડીને ભરતક્ષેત્રે મૂકી જાય અને તે ધર્માત્મા અહીં કેવળજ્ઞાન પામે. હવે એમાં ક્ષેત્ર ક્યાં નડયું? અને કોઈ સમોસરણમાં બેસીને મિથ્યાભાવ સેવે તો ક્ષેત્રનો એને શું લાભ થયો? ભાઈ! લાભ-નુકશાન તો અંતરંગ પરિણામથી છે, પરક્ષેત્રથી નથી. વાસ્તવમાં પરક્ષેત્રથી તો એની નાસ્તિ જ છે.
પોતે સ્વક્ષેત્રથી છે, ને પરક્ષેત્રથી નથી એમ ન માનતાં બન્નેથીય છે એમ માને તે પણ ભ્રમણામાં છે. એવી માન્યતામાં તો બધું ભેળસેળ-એક થઈ ગયું. વેદાંતવાળા પરક્ષેત્રમાં સર્વત્ર વ્યાપક હું અખંડ છું એમ માને છે. તે ખરેખર સ્વક્ષેત્રને ચૂકી ગયા છે. જ્ઞાની-ધર્મી પુરુષ સ્વક્ષેત્રમાં જ હું સદાય છું એમ માને છે. સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ ભગવંતો પોતપોતાના સ્વક્ષેત્રમાં જ રહેલા છે, તેઓ પરક્ષેત્રમાં રહ્યા નથી. જ્યાં સિદ્ધ પરમાત્મા છે ત્યાં તે જ આકાશના ક્ષેત્રે બીજા અનંત નિગોદના જીવ છે, પણ સૌનું- પ્રત્યેકનું ક્ષેત્ર જુદું જુદું જ છે, સૌ સ્વક્ષેત્રમાં જ છે. સમજાણું કાંઈ.....?
નવમો કાળનો બોલઃ- ‘જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે (-પૂર્વે જેમનું આલંબન કર્યું હતું એવા જ્ઞેય પદાર્થોના વિનાશ વખતે) જ્ઞાનનું