૩૯૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ એ થયો કે અનંતી પર્યાયો જે સમયે થાય તે સમયે તે જ એનો સ્વકાળ છે-એની કાળલબ્ધિ છે, તે પોતાથી સત્ છે. ખરેખર તે પર્યાયો પરથી-નિમિત્તથી તો નથી, પોતાના દ્રવ્ય-ગુણથી પણ નથી એવું એ સત્ છે. સૂક્ષ્મ વાત બાપા! આ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ જે જીવની અવસ્થામાં થાય છે તે એના ષટ્કારકથી છે, પરકારકોને લઈને નહિ. હવે જ્યારે વિકાર પણ પોતાના સ્વકાળે એક સમયના પોતાના ષટ્કારકથી છે તો નિર્મળ-નિર્વિકાર દશાનું શું કહેવું? એની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા પણ એના ષટ્કારકથી પ્રગટ થાય છે. ભાઈ! સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય તેને કોઈ દેવ-ગુરુ- શાસ્ત્રની કે વ્યવહારરત્નત્રયની કે દર્શનમોહના અભાવની અપેક્ષા નથી. સત્નું આવું જ સ્વરૂપ છે ભાઈ!
ઉપાદાન અને નિમિત્ત-બન્નેમાં પરિણમન પોતપોતાનું એક સાથે થાય છે, પ્રત્યેકની તે તે પર્યાય તે એનો સ્વકાળ છે, મતલબ કે એકને (નિમિત્તને) લઈને બીજામાં (ઉપાદાનમાં) કાંઈ થાય છે એમ છે નહિ. બન્નેમાં કાળપ્રત્યાસત્તિ ને ક્ષેત્ર પ્રત્યાસત્તિ જોઈને અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આને (નિમિત્તને) લઈને આ (ઉપાદાનનું કાર્ય) થયું છે, પણ એમ છે નહિ. જો નિમિત્તને લઈને કાર્ય થાય તો એની દ્રવ્યગત તત્કાલીન યોગ્યતા અર્થાત્ ઉપાદાન સિદ્ધ જ નહિ થાય. ભાઈ! માટીમાંથી ઘડો થયો તે માટીમાં તત્કાળ જે યોગ્યતા ઘડારૂપ થવાની હતી તે પ્રગટ થઈ ઘડો થયો છે, કાંઈ કુંભારને કારણે-કુંભારે આમ-તેમ હાથ ફેરવ્યો તે કારણે ઘડો થયો છે એમ નથી. અહા! આત્મદ્રવ્યની જેમ એક એક પુદ્ગલ-પરમાણુમાં પણ અનંતગુણ છે, અને એની સમયસમયની પર્યાયો જે થાય છે તે, તે તે પર્યાયનો સ્વકાળ છે. (પરને લઈને તેઓ થાય છે એમ છે નહિ).
પણ આ તો ક્રમબદ્ધ સિદ્ધ થયું? હા, ક્રમબદ્ધપર્યાય-ક્રમનિયમિત પર્યાય એ તો વસ્તુસ્થિતિ છે. આ તો અદ્ભુત અલૌકિક વાત છે ભાઈ! ભગવાન! તું જ્ઞાતાસ્વરૂપ જ છો, સ્વમાં કે પરમાં જે પર્યાય થાય તેને બસ જાણ; એમાં તારે કરવાનું કાંઈ જ નથી.
સાધકને જે સમ્યગ્જ્ઞાનની દશા થઈ છે તે સ્વકાળે થઈ છે, તે દશા તેનો સ્વકાળ છે, પરંતુ તે અપૂર્ણ છે એટલે સાથે તે કાળે રાગ-વ્યવહાર હોય છે. આ શુદ્ધ પરિણતિ તે નિશ્ચય અને સાથે જે રાગ તે કાળે છે તે વ્યવહાર. આ વ્યવહાર અને આ નિશ્ચય-એમ બન્નેનું સાધકને જ્ઞાન છે, પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ એમાં નથી, અને એવી વસ્તુસ્થિતિ પણ નથી. સમજાય છે કાંઈ....? આ સમજવું પડશે ભાઈ! બાકી બહારમાં- પૈસા બૈસામાં બધું ધૂળધાણી છે. એ પૈસો-બૈસો બધું એનામાં એના સ્વકાળે છે, એ તારામાં નહિ અને તારાથીય નહિ. આવું ઝીણું છે બધું!