બંધ થયું એમ અજ્ઞાની માને છે તે તેની મિથ્યા દશા (મિથ્યા માન્યતા) છે, તે પરકાળથી સ્વકાળ માને છે.
અહા! ત્રિકાળ શક્તિરૂપ જે વસ્તુ છે તેનું વર્તમાન તે એનો સ્વકાળ છે-કાળલબ્ધિ છે, તે નિમિત્તને લઈને છે એમ નથી. નિમિત્ત નથી એમ વાત નથી, નિમિત્તને લઈને આમાં (-આત્મામાં) કાંઈ (વિલક્ષણતા) થાય છે એમ નથી. તો-
પ્રશ્નઃ– દુકાને બેઠા હોઈએ ત્યારે અમુક પ્રકારની (ધંધારૂપ પાપની) પર્યાય થાય છે અને અહીં સ્વાધ્યાય મંદિરમાં આવીએ છીએ ત્યારે બીજા પ્રકારની (પ્રશસ્ત રાગની) પર્યાય થાય છે તે કોને લઈને?
ઉત્તરઃ– કહ્યું ને કે પ્રત્યેક પર્યાય સ્વકાળે પોતાને લઈને થાય છે. કોઈ વળી કહે છે- મણિરત્નની માળા ગણીએ તો એને લઈને વિશેષ સારા ભાવ થાય. પરંતુ એ (મણિરત્નની માળા) એ તો પરજ્ઞેય છે બાપા! અને તત્સંબંધી અહીં જે જ્ઞાન થાય છે એ પોતાનું છે; એ કાંઈ મણકો કે મણકાના ફરવાને લઈને થયું છે એમ નથી. ભગવાનની વાણી નીકળે તે કાળે વાણી સાંભળીને જે જ્ઞાન થાય છે તે પોતાની જ્ઞાનની પર્યાયની તત્કાળ યોગ્યતા છે, એનો તે સ્વકાળ છે, વાણીના કારણે તે જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. આ પાનું અને આ પંકિત-લીટીના આલંબનકાળે આ પાનું અને આ પંક્તિ લક્ષમાં આવે છે તેથી એને લઈને મારું જ્ઞાન થાય છે એમ અજ્ઞાની માને છે, પણ એમ છે નહિ. અજ્ઞાનીનો આ તર્ક છે કે-
જો જ્ઞાન નિમિત્તથી થતું ન હોય તો સાંભળવા જાઓ છો શું કામ? પ્રભુ! સાંભળ. તે સમયે (સાંભળવાકાળે) જ્ઞાનની પર્યાય થઈ છે તે એનો સ્વકાળ છે, અને સાંભળવાના રાગની પર્યાય થઈ છે તે પણ એનો સ્વકાળ છે. બન્નેનો સમકાળ અવશ્ય છે, પણ એકને લઈને બીજી અવસ્થા છે એમ નથી. (આ તો આવો સહજ નિમિત્ત-નૈમિત્તિક ભાવ બને છે). અહા! એક સ્વકાળનો યથાર્થ નિર્ણય થાય તો શું વાત છે? (એમ કે બધી અજ્ઞાનજન્ય માન્યતાઓ ઉડી જાય). પણ અરે! અનાદિકાળથી વર્તમાન અવસ્થા પરને લઈને છે એવા મિથ્યાત્વભાવને એણે ઘૂંટયો છે તે છોડતો નથી! તે પોતાના સત્ને અસત્ કરે છે. હું જ્ઞાનસ્વરૂપ છું, ને વર્તમાન જ્ઞાનની જે દશા થઈ છે તે મારું સત્ છે, તે સ્વકાળ છે એમ અજ્ઞાની માનતો નથી, કેમકે એની દ્રષ્ટિ સ્વ ઉપર નહિ પણ પર ઉપર છે. સામે શબ્દો-નિમિત્ત ભલે હો, પણ તે કાળે જ્ઞાનની પર્યાયનો તેને જાણવાનો સ્વકાળ છે તે સત્ છે-એમ અજ્ઞાની વસ્તુસ્થિતિ માનતો નથી, ને એ રીતે પોતાનો નાશ કરે છે.
આત્માનાં દ્રવ્ય-ગુણ ને પર્યાય-ત્રણે સત્ છે એનો અર્થ શું? એનો અર્થ