૩૯૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ થઈ ગયો એમ માનીને પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વકાળથી સત્પણું પ્રકાશતો થકો એટલે કે સમયે સમયે જે જ્ઞાનની દશા પ્રગટ થાય તે સ્વકાળથી સત્ છે એમ પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ થવા દેતો નથી. અહા! સ્વકાળથી હું સત્ છું, પરકાળથી નહિ એમ પ્રકાશતો અનેકાન્ત જ એને જિવાડે છે ભાઈ! આત્મામાં નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-શાન્તિની જે દશા થાય છે તે પોતાથી જ થાય છે, નિમિત્તને લઈને થાય છે એમ કદી નથી.
અરે! એક તો માણસો શાસ્ત્ર-સ્વાધ્યાય કરતા નથી, અને કોઈ કરે છે તો પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્રોનાં અર્થ કરે છે, પણ શાસ્ત્રનો અભિપ્રાય શું છે તે પ્રત્યે પોતાના જ્ઞાનને દોરી જતા નથી! અહા! તેને શાસ્ત્ર શું (ગુણ) કરે?
તો દેવ-ગુરુ-શાસ્ત્રના સત્સંગમાં રહેવું એમ ઉપદેશ આવે છે ને? હા, આવે છે. પણ એ તો નિમિત્તથી કથન છે બાપુ! ધર્મી-જ્ઞાની જીવને સંગ કરવાનો ભાવ-વિકલ્પ હોય છે ત્યારે બહારમાં એ ચીજ નિમિત્તપણે હોય છે એમ ત્યાં જ્ઞાન કરાવવું છે, બાકી જે જે પર્યાય થાય તે તેનો સ્વકાળ છે, પરને લઈને -દેવ-ગુરુ- શાસ્ત્રને લઈને થાય છે એમ છે નહિ.
હા, પણ સમયસાર વાંચે તો સમયસારનું જ્ઞાન થાય ને પદ્મપુરાણ વાંચે તો પદ્મપુરાણનું જ્ઞાન થાય -એમ છે કે નહિ?
ના, એમ નથી ભાઈ! અહીં એની ના પાડે છે; કેમકે શાસ્ત્રના શબ્દો વડે અહીં જ્ઞાનની દશા થાય છે એમ છે નહિ. પોતાની સમયસમયની પર્યાય એના (પોતાના) સ્વકાળને લઈને થાય છે, પરકાળને લઈને નહિ. એ જ કહે છે કે-સ્વકાળથી મારું હોવાપણું છે, પરકાળથી નહિ-એમ જાણતો ધર્મી અનેકાન્ત વડે પોતાને જિવાડે છે અર્થાત્ પોતાનો નાશ થવા દેતો નથી.
આત્માની સમયસમયની જ્ઞાનની અવસ્થા પોતપોતાની યોગ્યતા અનુસાર આત્મામાં થાય છે, નિમિત્તને કારણે થાય છે એમ નહિ. નિમિત્ત હો ભલે, અને એને જાણે પણ, પરંતુ નિમિત્તને જાણનારી જ્ઞાનની દશા પોતાની પોતાથી છે, નિમિત્તને લઈને નથી. ઝીણી વાત છે ભાઈ! જેવું નિમિત્ત હોય તેવું થાય એમ ઓલા (-બીજા) કહે છે ને? તો કહે છે- એમ નથી. આત્માના અનંતગુણની અવસ્થા પોતાના સ્વકાળે પોતામાં પોતાથી થાય છે, નિમિત્તથી નહિ. છતાં લક્ષ નિમિત્ત પર હોવાથી નિમિત્તને લઈને મારી પર્યાય થાય છે એમ અજ્ઞાની માને છે- અજ્ઞાની પોતાના સત્ને અસત્ કરે છે.
આ કાને શબ્દો પડે છે ને? એનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનની પર્યાયનો વર્તમાન સ્વકાળ છે; પોતાને લઈને તે પર્યાય થાય છે, વાણી-શબ્દોને લઈને નહિ. વાણી બંધ થતાં એ જાતનું જ્ઞાન બંધ થયું એટલે વાણીને લઈને મારામાં જ્ઞાન થતું હતું તે