કોઈ વળી કહે છે -જિવિત શરીરથી ધર્મ થાય. જિવિત શરીર હોય તો યથેચ્છ બોલાય, ધાર્યાં હોય તે કામ થાય. મડદાથી કાંઈ થાય? અરે ભાઈ! તું શું કહે છે આ? જીવના (એકક્ષેત્રાવગાહ) સંબંધથી શરીરને જિવિત કહીએ; બાકી શરીર ક્યાં જીવ છે? એ હમણાં પણ મડદું-અજીવ જ છે. શરીરથી જીવને ધર્મ થાય એમ તું માને એ તો એના સાથે એકત્વબુદ્ધિથી ઉત્પન્ન નરી મૂઢતા છે ભાઈ! અરે! અજ્ઞાની જીવો નિમિત્ત-પરજ્ઞેયો સાથે એકતા કરીને પોતાની વ્યક્તિ-પ્રગટતા જે આત્મભાવરૂપ છે તેને છોડી દે છે. મારી પર્યાય ને હું મારાથી છું, પોતાથી છું એવી સ્થિતિ છોડી દેવાથી જ્ઞાન ખાલી-શૂન્ય થઈ જાય છે.
અહા! આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ જેમ સ્વસ્વરૂપથી શોભિત છે, તેમ એની વર્તમાન જ્ઞાનની દશા પોતાથી શોભિત છે. પરજ્ઞેયોના-નિમિત્તના કારણે એની વર્તમાન દશા થઈ છે એમ નથી. જેવાં નિમિત્ત આવે એવી અહીં - (-આત્માની) દશા થાય એમ માનનારનું (પશુનું) જ્ઞાન, અહીં કહે છે, પોતાની પ્રગટતાને છોડી દેવાથી શૂન્ય -ખાલી થઈ ગયેલું, સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત એવું ‘सीदति’ નાશ પામે છે. હું અને મારી દશા પર-નિમિત્તને લઈને છે એમ માનનારનું જ્ઞાન પરમાં વિશ્રામ પામ્યું છે, અર્થાત્ પરના આધારમાં જઈ પડયું છે. તેથી આ મારું સત્ છે એમ તો રહ્યું નહિ. આ રીતે તે નાશ પામે છે. સમજાય છે કાંઈ....?
જુઓ, બાહ્ય પદાર્થની-જ્ઞેયોની હયાતીને લઈને વર્તમાન મારી (મારા જ્ઞાનની) હયાતી છે એમ માનનારને અહીં પશુ કહ્યો છે. છે ને અંદર? ‘पशोः ज्ञानं सीदति’ છે કે નહિ? છે. એમ કેમ કહ્યું? કેમકે વિપરીત માન્યતા-મિથ્યાત્વનું ફળ પશુગતિ ને નિગોદ છે. ભવિષ્યમાં એવા જીવો નિગોદ જશે. આથી આચાર્ય અમૃતચંદ્રદેવ અત્યંત અકારણ કરુણાથી કહે છે- અરે, પશુ જેવા એકાન્તવાદી અજ્ઞાની! જો તું એમ માને છે કે તારી અને પરદ્રવ્યની સમયે સમયે થતી અવસ્થાનું અસ્તિત્વ પરને લઈને છે તો તું પશુ છે. અરેરે! તારી વર્તમાન દશા પશુ જેવી છે, ને ભવિષ્યની દશા પણ નિગોદ થશે. (માટે મિથ્યા માન્યતાથી હઠી જા). ભાઈ! તારી હયાતી પરને લઈને માનવા જતાં તારું આખું સત્-અસ્તિત્વ ઉડી જાય છે, એટલે કે અંદરમાં આવરણ આવે છે અને આવરણ આવતાં છતી શક્તિનો ઘાત થાય છે. અરે! છતી શક્તિને-ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપને આળ આપવાથી એના જ્ઞાનની દશા અત્યંત બેહોશ-મૂર્ચ્છિત થઈ અક્ષરના અનંતમા ભાગે એટલે કે નિગોદની દશારૂપ થઈ જશે. આવી વાત! હવે આ તો સોનગઢથી નવી નીકળી એમ કહી તું એની ઉપેક્ષા કરીશ, વા ઠેકડી કરી અવજ્ઞા કરીશ તો તને ભારે નુકશાન છે ભાઈ! આ સોનગઢથી નવી નીકળી નથી, પણ આ તો અનાદિ પ્રવાહમાં સંતો-કેવળીઓ કહેતા આવ્યા છે તે વાત છે બાપુ!
અજ્ઞાની કહે છે -સામે ઘડો હોય તે કાળે ઘડાનું જ્ઞાન થાય છે માટે ઘડાને