૪૦૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ લઈને જ્ઞાન થયું છે. ઘડાનું જ્ઞાન થયું એમાં ઘડાનું જોર (કારણપણું) છે. જો ઘડાનું કાંઈ જોર (કારણપણું) ન હોય તો ઘડાનું જ તે કાળે જ્ઞાન કેમ થયું? તેને કહીએ -અરે ભાઈ! તે કાળે ઘટને જાણવાપણે જ્ઞાન પરિણમ્યું છે તે જ્ઞાનની દશા છે અને તે પોતાથી પોતાપણે થઈને પરિણમી છે, તેમાં ઘડાનું કાંઈ કારણપણું નથી. ઘડો હો, પણ ઘડાને લઈને જ્ઞાનની દશા થઈ નથી. ત્યારે તે તર્ક કરી કહે છે-
સામે ઘટ છે તે કાળે એને પટનું જ્ઞાન કેમ ન થયું? ઘટનું જ કેમ થયું? અરે ભાઈ! તું શું વિચારે છે આ? જે કાળે ઘડાને જાણવારૂપ જ્ઞાનની દશા થઈ છે તે તેની તે કાળે યોગ્યતા છે, અને તે પોતાની પોતાથી છે. તું એક અવસ્થાના (ઘટજ્ઞાનની અવસ્થાના) કાળે બીજી અવસ્થાની (પટજ્ઞાનની અવસ્થાની) કલ્પના કરે એ તો મિથ્યા કલ્પના જ છે, કેમકે એક કાળે એક નિયત અવસ્થા જ હોય છે. તથાપિ ઘટજ્ઞાન જો ઘડાથી થતું હોય તો સામે થાંભલો હોય તેને પણ જ્ઞાન થવું જોઈએ. પણ એમ છે નહિ. વાસ્તવમાં જેમાં જ્ઞાન છે, જે જ્ઞાનસ્વરૂપ છે તેને જ્ઞાન થાય છે અને તે પોતાથી જ થાય છે, સામે ઘટ છે માટે અહીં એનું જ્ઞાન થાય છે એમ નથી. જુઓ, સામે અક્ષરો છે માટે એનું જ્ઞાન થાય છે શું એમ છે? ના, એમ નથી. જો એમ હોય ને? તો આંખના કાંડાને પણ જ્ઞાન થવું જોઈએ. પણ એમ બનતું નથી, કેમકે જ્ઞાન તો જ્ઞાનસ્વરૂપ જે છે એમાં થાય છે અને તે પોતાથી થાય છે, પરને કારણે નહિ.
ઓહો! જગતમાં અનંતા જીવ, અનંતાનંત પુદ્ગલો ઇત્યાદિ અનંતા દ્રવ્યો છે. તેમાં જેનો જે પ્રકારનો કાળ (પર્યાય) છે તેનો તે પ્રકારે પોતાથી અસ્તિપણે છે, ને પરથી બિલકુલ નથી. પરમાં પર-નિમિત્ત તો અકિંચિત્કર છે. નિમિત્તને શાસ્ત્રમાં (પ્રવચનસાર ગાથા ૬૭માં) અકિંચિત્કર કહ્યું છે. ઉપાદાન સ્વયં કર્તા થઈને કાર્યરૂપ પરિણમે ત્યારે નિમિત્તને નિમિત્ત-કર્તાનો આરોપ આવે છે, પણ વાસ્તવમાં નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી. આ વસ્તુસ્થિતિ છે. પણ શું થાય? જગત એટલે કે પશુ-અજ્ઞાનીઓ, પોતાના સત્ને સત્પણે નહિ રાખીને, અર્થાત્ પોતાના સત્ને પરમાં ભેળવી દઈને સ્વસ્વરૂપના ઈન્કાર દ્વારા નાશ પામે છે અર્થાત્ ચિરકાળપર્યંત ઘોર ચતુર્ગતિરૂપ સંસાર સમુદ્રમાં ડૂબી મરે છે. આવી વાત! સમજાણું કાંઈ....?
હવે કહે છે- ‘स्याद्वादिनः तत् पुनः’ અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, ‘यत् तत् तत् इह स्वरूपतः तत् इति’ જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક વસ્તુને-તત્ત્વને સ્વરૂપથી તત્પણું છે) -એવી માન્યતાને લીધે ‘दूर–उन्मग्न–घन–स्वभाव–भरतः’ અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, पूर्ण समुन्मज्जति’ સંપૂર્ણ ઉદિત (પ્રગટ) થાય છે.
અહાહા....! જોયું? કહે છે- ‘સ્યાદ્વાદીનું જ્ઞાન તો....’ , અર્થાત્ સ્યાદ્વાદ દ્વારા