જેણે અનેકાન્તસ્વરૂપ વસ્તુના યથાર્થ રૂપને સાધ્યું છે તે જ્ઞાની-ધર્મી પુરુષનું જ્ઞાન તો, ‘જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે’ અર્થાત્ મારું જ્ઞાયક તત્ત્વ, એના અનંત ગુણ તથા એની વર્તમાન દશા -સહુ પોતાથી તત્ છે, ને પરથી-નિમિત્તથી નથી-એવી યથાર્થ માન્યતાને લીધે, અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના અતિશય તેજથી સંપૂર્ણપણે ઉદિત થાય છે. એટલે શું? કે જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા -પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય-નિજ સ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છે, ને પરથી નથી-એવી ભેદજ્ઞાનની દ્રષ્ટિ થતાં જ્ઞાનીને ઝળહળ જ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા સંપૂર્ણ પર્યાયમાં પ્રગટ થાય છે-જણાય છે, અનુભવાય છે. આ તો અંતર-સમજણથી ચીજ બાપુ! આ કાંઈ વાદવિવાદથી કે ક્રિયાકાંડથી હાથ આવે એવી ચીજ નથી.
અહા! પર્યાયમાં જે પૂર્ણપણું પ્રગટ થાય છે તે પોતાથી તત્ છે, ને તેવી જ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ થાય તે પણ પોતાથી તત્ છે, પરને લઈને કે શુભરાગને લઈને છે એમ નથી. વ્યવહારરત્નત્રયને લઈને નિર્મળ રત્નત્રય થયાં છે એમ નથી, ને દેવ-ગુરુ-શાસ્ત્રને લઈને થયાં છે એમ પણ નથી. કર્મનાં ઉપશમાદિ તો ક્યાંય (કર્મમાં) રહી ગયાં. સમજાણું કાંઈ.....?
અહા! આમાં તો બધું (બધી મિથ્યા માન્યતા) ઉડી જાય છે ને વસ્તુવ્યવસ્થા યથાર્થ સ્થાપિત થાય છે. શું? કે-
૧. પરજ્ઞેયથી જ્ઞાન નહિ. ૨. શુભરાગ-વ્યવહારથી નિશ્ચય નહિ, ને ૩. સમયસમયની તે તે કાળની પર્યાય સ્વરૂપથી તત્ છે. એટલે કે પ્રત્યેક સમયે જે પર્યાય થાય તે પોતાથી જ થાય, પરથી નહિ, તેથી સાંકળના અંકોડાની જેમ ક્રમનિયત છે, તેમાં કોઈ આગળ-પાછળ થાય નહિ. જેમ સાંકળમાં એક પછી એક અંકોડો ક્રમનિયત છે, તેમ દ્રવ્યમાં સમયે સમયે પ્રગટ થતી પર્યાયો ક્રમનિયત છે. જેમ સાંકળના અંકોડા આગળ-પાછળ કરવા જાઓ તો સાંકળ તૂટી જાય તેમ દ્રવ્યમાં પ્રગટ થતી અવસ્થાઓ આગળ-પાછળ કરવા જાઓ તો દ્રવ્યનો નાશ થઈ જાય, અર્થાત્ મિથ્યાત્વ થાય. હવે જેને આની સમજણ ને શ્રદ્ધામાં જ વાંધા હોય તેને આચરણ તો ક્યાંથી ઉદિત થાય? ન જ થાય.
‘કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે-ઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાન્તવાદીના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું.’