૪૦૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જોયું? જ્ઞેયોના આધારે મારું જ્ઞાન છે એમ માનનારનું જ્ઞાન જ્ઞેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું અર્થાત્ શૂન્ય થઈ ગયું, નાશ પામ્યું. મતલબ કે મિથ્યાજ્ઞાન થયું.
‘સ્યાદ્વાદી તો એમ માને છે કે- જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાન્ત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે.’
જુઓ, અનેકાન્તમય વસ્તુને જાણનાર સ્યાદ્વાદી કેવું માને છે? કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ જ છે. જ્ઞેયોને જાણવાપણે થયેલું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ જ છે; જ્ઞેયસ્વરૂપ થયું નથી, પણ જ્ઞેયોથી પૃથક્ જ્ઞાનસ્વરૂપ જ રહ્યું છે. અહા! આવી યથાર્થ સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે, જણાય છે.
આ પ્રમાણે સ્વરૂપથી તત્પણાનો ભંગ કહ્યો.
હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે.ઃ-
‘पशुः’ પશુ અર્થાત્ સર્વથા એકાન્તવાદી અજ્ઞાની, ‘विश्वं ज्ञानं इति प्रतर्क्य’ વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ જ્ઞેયપદાર્થો આત્મા છે) -એમ વિચારીને ‘सकलं स्वतत्त्व–आशया दष्ट्वा’ સર્વને (-સમસ્ત વિશ્વને) નિજતત્ત્વની આશાથી દેખીને ‘विश्वमयः भूत्वा’ વિશ્વમય (સમસ્ત જ્ઞેયપદાર્થમય) થઈને, ‘पशुः इव स्वच्छन्दम् आचेष्टते’ ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે-વર્તે છે;........
અહાહા.....! શું કહે છે? આ શરીર, મન, વાણી ઇત્યાદિથી માંડીને છ દ્રવ્યમય આખું જગત જ્ઞેય છે, અને ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ-ચૈતન્યસ્વરૂપ પ્રભુ ભિન્ન વસ્તુ છે. બેય ભિન્ન ભિન્ન છે. છતાં એ ચીજો હું છું, તે મારી છે, અને તેને હું કરું છું એમ માનનાર એ પરજ્ઞેયોને પોતાપણે માને છે, તે મિથ્યાદ્રષ્ટિ પશુ છે, અજ્ઞાની છે- એમ કહે છે.
ભાઈ! સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય વાણીમાં આવેલી આ વાત છે. શું? કે આત્મા ચૈતન્યબિંબ પ્રભુ સદા જ્ઞાનાનંદસ્વરૂપ છે. એમાં આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પુણ્યભાવ નથી, ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઇત્યાદિ પાપભાવ પણ નથી; વળી આ શરીર, ઇન્દ્રિય, વાણી, મન, ધન, પરિજન ઇત્યાદિ જગતના પદાર્થ પણ એમાં નથી. અહા! એ સર્વ પદાર્થ એના જ્ઞાનમાં જણાવાયોગ્ય પરજ્ઞેય છે. અહા! એ પરજ્ઞેયો જ્ઞાનમાં જણાય છતાં એમ નથી કે જ્ઞાન પોતાનું જ્ઞાનસ્વરૂપ છોડીને જ્ઞેયરૂપ થઈ જાય. તથા જ્ઞેયો પોતાનું સ્વરૂપ છોડીને જ્ઞાનરૂપ થઈ જાય. આ વસ્તુસ્થિતિ છે. છતાં જાણવામાં આવતા એ જ્ઞેયો બધા હું છું, તેઓ મારા છે, તેઓને હું કરું છુ