૪૧૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
‘જ્ઞાન છે તે જ્ઞેયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક-ખંડખંડરૂપ -દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે.’
અહા! પર્યાયમાં અનેક જ્ઞેયાકારો જોઈને, એકાન્તવાદીને વસ્તુપણે અંદર એકલો હું અખંડાનંદ-નિત્યાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ છું એમ એને પોતાનું એકપણું બેસતું નથી. જાણે સર્વથા હું ખંડખંડ થઈ ગયો એમ દેખતો થકો તે જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે.
‘અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, જ્ઞેયાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.’
અહા! સ્યાદ્વાદી -જ્ઞાની પુરુષ તો, અનેક જ્ઞેયાકારોને જાણવારૂપ પર્યાયને ગૌણ કરીને, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે જ્ઞાનને એક દેખે છે, એક જ્ઞાનસ્વરૂપને દેખે છે- અનુભવે છે. વસ્તુપણે હું આ એક છું એમ અનુભવે છે. સમજાણું કાંઈ....?
આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો.
હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘ज्ञेयाकार–कलङ्क–मेचक–चिति प्रक्षालनं कल्पयन्’ જ્ઞેયાકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો), ‘एकाकार–चिकीर्षया स्फुटम् अपि ज्ञानं न इच्छति’ એકાકાર કરવાની ઈચ્છાથી જ્ઞાનને-જો કે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તો પણ -ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે);......
આ પોતાને સર્વથા એકપણું માને ને પર્યાયથી અનેકપણું છે તે સ્વીકારે નહિ તે પશુ-એકાંતવાદી અજ્ઞાની છે એમ કહે છે. અહાહા....! વસ્તુ તો સહજ જ દ્રવ્યપર્યાયરૂપ છે. દ્રવ્યરૂપથી એકપણું ને પર્યાયથી અનેકપણું એ વસ્તુગત સ્વભાવ છે. જે અપેક્ષા એક છે તે અપેક્ષા અનેક છે એમ નહિ, તથા જે અપેક્ષા અનેક છે તે અપેક્ષા એક છે એમ નહિ. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવથી આત્મા એક છે, અને તેમાં અનંતગુણ ને પ્રતિ સમય તેની અનંત પર્યાય છે, જ્ઞાનમાં તે જણાય પણ છે-એ અપેક્ષા -પર્યાય અપેક્ષા તે અનેક છે. પરંતુ અજ્ઞાની, તેની જ્ઞાનની પર્યાયમાં જે અનેક પરજ્ઞેયો જણાય છે તેને કલંક માની કાઢી નાખવા ઈચ્છે છે. જ્ઞાનમાં જણાતા જ્ઞેયાકારોનો નાશ કરવા માગે છે.