ગુણ-પર્યાયોને જાણવાનો આત્માનો સ્વભાવ છે. પરંતુ અજ્ઞાની માને છે કે અનેક પ્રકારના જ્ઞેયાકારોથી મારી જ્ઞાનશક્તિ ખંડિત-છિન્નભિન્ન થઈ ગઈ, મારામાં એકપણું ના રહ્યું. ખરેખર તો વસ્તુ જે એકસ્વરૂપ છે તે જ અનેકસ્વરૂપ છે. પર્યાયમાં અનેકપણું હોવા છતાં દ્રવ્યના એકપણાને કાંઈ આંચ આવી નથી. પરંતુ એકાન્તે એકપણું ઈચ્છનારને આ વિભ્રમ થઈ ગયો છે કે હું અનેક થઈ ગયો; અરે! આ અનેકપણું ક્યાંથી? જ્ઞાનમાં અનેકપણું જણાય એ હું નહિ, એ મારી ચીજ નહિ. એમ અનેકપણાથી પોતાની જ્ઞાનશક્તિ ખંડખંડરૂપ થઈ જતી માનીને, સમસ્તપણે તૂટી જતો થકો, અર્થાત્ એકપણું તો પ્રાપ્ત થયું નહિ અને અનેકને જાણવાનું પરિણમન જોઈ પોતે ખંડખંડ થઈ ગયો એમ માનતો થકો, અનેકપણાનો ઇન્કાર કરી પોતાની સત્તાનો નાશ કરે છે; અર્થાત્ મિથ્યાત્વભાવે પરિણમે છે.
અહા! દ્રષ્ટિના વિષયભૂત એવો જે એકરૂપ સ્વભાવ-તેની પ્રાપ્તિ-તેનો આશ્રય તો પર્યાયમાં હોય છે. હવે જે વસ્તુના પર્યાયને ને પર્યાયના સ્વભાવને જ એકાંતે સ્વીકારતો નથી એને યથાર્થ દ્રષ્ટિ-સમ્યક્ દ્રષ્ટિ કેમ હોય? હોતી નથી. વસ્તુ તો બાપુ! દ્રવ્યપર્યાયરૂપ છે, દ્રવ્યપણે પણ છે ને પર્યાયપણે પણ છે. દ્રવ્યપણે જે એક છે, તે જ પર્યાયથી અનેક છે. એકાંતે દ્રવ્યરૂપ-એકરૂપ જ વસ્તુ છે એમ નથી. પરંતુ એકાંતવાદી એકાન્તે એકપણું ગોતીને પર્યાયને છોડી દે છે, ને એ રીતે તે પોતાના સત્ત્વનો જ નાશ કરે છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે- ‘अनेकान्तवित्’ અને અનેકાન્તનો જાણનાર તો, ‘सदा अपि उदितया एक–द्रव्यतया’ સદાય ઉદિત (-પ્રકાશમાન) એક દ્રવ્યપણાને લીધે ‘भेदभ्रमं ध्वंसयन्’ ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ જ્ઞેયોના ભેદે જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો) ‘एकम् अबाधित–अनुभवनं ज्ञानं’ જે એક છે (-સર્વથા અનેક નથી.) અને જેનું અનુભવન નિર્બાધ છે એવા જ્ઞાનને ‘पश्यति’ દેખે છે-અનુભવે છે.
શું કીધું? વસ્તુના અનંત ધર્મોને યથાવત્ જાણનાર સ્યાદ્વાદી સમ્યગ્દ્રષ્ટિ તો, પર્યાયમાં અનેકને જાણવાપણું ભલે હો, હું તો નિત્ય ઉદયમાન અખંડ એકદ્રવ્યપણાને લીધે એક છું. પર્યાયમાં અનેકને જાણવાપણું છે એય મારો સ્વભાવ છે. પણ તેથી સદાય પ્રકાશમાન એકરૂપ દ્રવ્યસ્વભાવને શું છે? એ તો એક અખંડિત જ છે. અહા! આમ જ્ઞેયોના ભેદોથી જ્ઞાનમાં-વસ્તુમાં ભેદ-ખંડ પડી ગયો એવા ભ્રમનો નાશ કરતો થકો, અનેકપણાને ગૌણ કરતો, તે નિર્બાધપણે એક જ્ઞાનસ્વરૂપને દેખે છે- અનુભવે છે. લ્યો, આનું નામ ધર્મ છે. આ સિવાય બધું થોથે-થોથાં છે. સમજાણું કાંઈ......?