૪૧૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
‘સ્યાદ્વાદી તો એમ માને છે કે-જે વસ્તુ પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ છે, પરંતુ પરજ્ઞેયના સ્વરૂપથી અતત્સ્વરૂપ છે અર્થાત્ પરજ્ઞેયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે.’
જોયું? હું પોતાથી-નિજજ્ઞાનસ્વરૂપથી તત્ છું, ને પુણ્ય-પાપના પરિણામથી કે વ્યવહારના વિકલ્પથી અતત્ છું -એમ જ્ઞાની જાણે છે; અને એમ જાણતો થકો પરજ્ઞેયોથી ભિન્ન નિજ જ્ઞાનતત્ત્વને એકને સ્પર્શે છે-અનુભવે છે. હવે પરથી-નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય -એવા વલણમાં ને વલણમાં એણે આવી અંતરમાં વાત કદી રુચિથી સાંભળી નથી; બહારમાં સંતુષ્ટ થઈને બેઠો છે, પણ બાપુ! આ જ મારગ છે, ને આ જ રીત છે.
અહીં પહેલા ભંગમાં પોતાથી એટલે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી તત્ છે એમ સિદ્ધ કર્યું, ને આ બીજા ભંગમાં પરથી અતત્ છે, પરથી નથી એમ સિદ્ધ કર્યું. જ્ઞાની ધર્માત્મા, હું પરથી નથી એમ પરથી વિમુખ થઈ સ્વસ્વરૂપના આશ્રયે પ્રવર્તે છે ને એ રીતે નિર્મળ અંતરંગ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણને પ્રાપ્ત થઈ નિરાકુળ આનંદને અનુભવે છે. આવી વાત છે.
આ પ્રમાણે પરરૂપથી અતત્પણાનો ભંગ કહ્યો.
હવે ત્રીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘बाह्य–अर्थ–ग्रहणस्वभाव– भरतः’ બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના (જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે, ‘विष्वग्–विचित्र–उल्लसत्–ज्ञेयाकार–विशीर्ण–शक्तिः’ ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતા અનેક પ્રકારના જ્ઞેયાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને (અર્થાત્ અનેક જ્ઞેયોના આકારો જ્ઞાનમાં જણાતાં જ્ઞાનની શક્તિને છિન્નભિન્ન-ખંડખંડરૂપ-થઈ જતી માનીને) ‘अभितः त्रुटयन्’ સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ અનેકરૂપ -થઈ જતો થકો) ‘नश्यति’ નાશ પામે છે;......
જોયું? જે મિથ્યાત્વથી બંધાય છે તેને અહીં પશુ કહીને બોલાવ્યો છે. એકાન્તવાદી અજ્ઞાની પશુ છે, કેમકે તે મિથ્યાભાવયુક્ત હોવાથી બંધાય છે. કેવી રીતે? પોતાની જ્ઞાનની પર્યાયમાં અનેકપણું-અનેક જ્ઞેયાકારો જણાતાં જાણે હું અનેક થઈ ગયો એમ માનતો અજ્ઞાની પોતાના સ્વરૂપની અસ્તિનો-હોવાપણાનો નાશ કરે છે, અર્થાત્ તે મિથ્યાભાવથી બંધાય છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં છએ દ્રવ્યોના દ્રવ્ય-