Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3862 of 4199

 

પરિશિષ્ટઃ ૪૧૧

છું. પરથી હું નથી માટે મારાં જ્ઞાન, દર્શન, સુખ, સમકિત, શાન્તિ સ્વમાં સ્વથી થાય, પરથી ન થાય. લ્યો, આવી વસ્તુ દેખે તે ડાહ્યો-વિચક્ષણ પુરુષ છે. બાકી દુનિયાનાં કામ કરનારા, દુનિયાનો ઉદ્ધાર કરવા નીકળેલા દુનિયાના (કહેવાતા) ડાહ્યા તો દુનિયામાં રખડવા ક્યાંય ઊંડા (નરકાદિમાં) જશે. તે ડાહ્યા નથી ભાઈ! તે તો મૂઢ, પાગલ છે. તેમને અહીં કળશમાં પશુ કહ્યા છે. આ તો જેને અંદર આત્મજ્ઞાન થયું છે તે ડાહ્યા છે, કેમકે તે ફાયા (ફાવ્યા) છે, તે તરી જશે. સમજાય છે કાંઈ...?

અહા! મારો ચૈતન્યમહાપ્રભુ મારા સ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છે, ને પરથી અતત્ છે. ભલે જ્ઞેયનું જ્ઞાન થાય, પણ એ જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞાનનું જ જ્ઞાન છે. આમ સ્વ-રૂપથી તત્પણું ને પરરૂપથી અતત્પણું માનતો હોવાથી, સ્યાદ્વાદી, જ્ઞેયોનું જ્ઞાન- જાણવાપણું થવા કાળે, જ્ઞાનની રચના પોતાથી થઈ છે એમ જાણતો વિશ્વરૂપ નહિ એવા નિજતત્ત્વને અનુભવે છે. જેટલું વિશ્વ છે તેનું અહીં જ્ઞાન થાય એ તો આત્માનો નિજ સ્વભાવ છે. ‘વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા પોતાના નિજતત્ત્વને અનુભવે છે’ -એટલે શું? કે નિજ જ્ઞાયક તત્ત્વ છે તે વિશ્વથી ભિન્ન જ છે; અને વિશ્વને જાણવારૂપ એની જ્ઞાનદશા થઈ તેમાં વિશ્વ નિમિત્ત છે તેથી તે વિશ્વથી રચાયેલું હોવા છતાં જ્ઞાન જ્ઞાનરૂપ જ છે, વિશ્વરૂપ થયું નથી. લ્યો, આવું જાણતો સ્યાદ્વાદી વિશ્વરૂપ નહિ એવા નિજતત્ત્વને અનુભવે છે. વિશ્વને જાણે છે, છતાં વિશ્વરૂપે થતો નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ આવ્યું ને ૧૨ મી ગાથામાં? લ્યો, એ આ વાત અહીં છે. અહા! આવી યથાર્થ દ્રષ્ટિ જેને થાય છે તે સ્વ-આશ્રયમાં જઈ સંસાર તરી જાય છે ને પૂર્ણાનંદને પામે છે. આ ધર્મ ને ધર્મનું ફળ છે.

* કળશ ૨૪૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘એકાન્તવાદી એમ માને છે કે -વિશ્વ (-સમસ્ત વસ્તુઓ) જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાન્તવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે.’

જોયું? એકાન્તવાદી, જ્ઞાનમાં પરજ્ઞેય દેખીને, આ પરજ્ઞેય ન હોય તો મારું જ્ઞાન કેમ હોય? -એમ વિચારતો-માનતો થકો પરજ્ઞેયોરૂપ-વિશ્વરૂપ કરે છે. ભગવાન આત્મા સ્વભાવથી જ્ઞાનાનંદસ્વરૂપ હોવા છતાં રાગાદિ પરવસ્તુ સાથે એકપણું માનતો પોતાને વિશ્વમય -સર્વરૂપ માની એકાન્તી ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. નિમિત્તથી-પરથી મારામાં કાર્ય થાય, ને શુભરાગથી ધર્મ થાય એમ માનનાર, આ રાગાદિ પર હેય છે, ને નિજ જ્ઞાયકતત્ત્વ એક ઉપાદેય છે-એવા હેય-ઉપાદેયના વિવેક વિના સ્વચ્છંદપણે રાગાદિના જ આચરણરૂપ પ્રવર્તે છે. તે અપાર ઘોર સંસારમાં પરિભ્રમે છે. પરંતુ.....