૪૨૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અહાહા....! જુઓ, પરવસ્તુ છે તો હું છું, પરવસ્તુ ન રહે તો હું ન રહું-એમ પરથી જ પોતાને માનવાવાળા એકાંતવાદી બધા પશુ છે એમ કહે છે. ભાઈ! આ પશુની વ્યાખ્યા! બહુ આકરી પણ આ સત્ય છે. અહા! આવો એકાંતી દુર્વાસનાથી -કુનયથી વાસનાથી વાસિત છે. એના ચિત્તમાં, પરવસ્તુથી હું છું -એવા કુનયની ગંધ ગરી ગઈ છે.
અહા! જુઓ તો ખરા, સંસારમાં કેવી વિચિત્રતા છે. કોઈ કહે-અરે, સ્ત્રી મરી ગઈ. હવે એક ક્ષણ પણ કેમ જીવી શકું? તો કોઈ નાના બાળકનાં મા-બાપનો વિયોગ થતાં લોક કહે -અરે, બિચારો નોધારો થઈ ગયો; તો કોઈનું ધન લૂંટાઈ જાય તો રોકકળ કરે કે -હાય, હાય! હવે કેમ જીવીશ? કોઈ કોઈ તો આબરૂના માર્યા ઝેર ખાઈને પણ મરી જાય. મરીને પણ આબરૂ રાખવા માગે છે. લ્યો. અહા! આવા જીવો બધા અહીં કહે છે, કુનયની દુર્વાસનાથી વાસિત છે. પરદ્રવ્યથી-પરવસ્તુથી મારું જીવન છે એવી દુર્વાસના એમને ઘર કરી ગઈ છે.
તેને જ્ઞાની પુરુષ કહે છે- અરે, આ તને શું થઈ ગયું ભાઈ? શું તારું હોવાપણું પરને લઈને છે? પરથી તો તું નાસ્તિ છો ને પ્રભુ! તારું ચૈતન્ય તત્ત્વ સદાય નિજ ભાવથી ભિન્ન ટકી રહ્યું છે ને! તારે પરથી શું કામ છે? આ તે કેવી ભ્રમણા કે જે તારા નથી તેને કલ્પના વડે-કલ્પિતપણે તારા માને છે? દુર્વાસનાથી દૂર થા. જો તો ખરો, જેના વિના એક ક્ષણ પણ નહિ જીવાય એમ માનતો હતો, એના વિના તારો અનંતકાળ વીત્યો છે. શ્રીમદ્ના એક પત્રમાં આવે છે ભાઈ! કે-વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહિ જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી, પુત્ર, લક્ષ્મી વગેરે તે અનંતવાર છોડતાં તેનો વિયોગ થયો, અનંતકાળ પણ થઈ ગયો વિયોગનો..... ઇત્યાદિ. મતલબ કે ઈષ્ટના વિરહપૂર્વક અનંતકાળ આત્માનો ગયો છે. અને સંયોગકાળમાં પણ એ ચીજ તારી ક્યાં છે? એના વિના જ તું ટકી રહ્યો છો.
બિહારપ્રાંતની એક બનેલી ઘટના છે. ત્યાં એક કરોડપતિ શેઠ હતા. એક દિવસ બહાર ઘોડાગાડીમાં બેસીને ફરવા ગયેલા. ત્યાં એટલામાં ભૂકંપ થયો. તેમાં તેની સ્ત્રી, છોકરાં, કુટુંબ, મકાન, ધન-સંપત્તિ બધું જ જમીનદોસ્ત થઈ દટાઈ ગયું. ફક્ત પોતે જીવતા રહી ગયા. પછી વિલાપ કરી તે કહે-અરે! મારું બધું જ ગયું! તેને જ્ઞાની કહે છે- ધીરો થા ભાઈ! તારું કાંઈ જ ગયું નથી; તું પૂર્ણ વિજ્ઞાનઘન જેવો ને તેવો છો. જે બધાં ગયાં તે તારાં હતાં જ કે દિ’ ? જો તારાં હોય તો તને છોડી જાય કેમ? તારાથી જુદાં પડે જ કેમ? માટે મારાં હતા એ દુર્વાસનાથી દૂર થઈ અંદર તારો એક વિજ્ઞાનઘનસ્વભાવ છે તેની સંભાળ કર.
કોઈ તો વળી અમુક સગાવહાલાં સારો-મીઠો સંબંધ રાખતાં હોય એટલે કહ્યા