‘એકાંતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે, પરંતુ પોતાના આત્મદ્રવ્યને ઇન્દ્રિયપ્રત્યક્ષ નહિ દેખતો હોવાથી તેને શૂન્ય માની આત્માનો નાશ કરે છે.’
જુઓ, આ શરીર, ઇન્દ્રિય, વાણી, સ્ત્રી-કુટુંબ પરિવાર ઇત્યાદિ બધું એને ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જણાય છે તેથી તેની હયાતી માને છે. કર્મ એને પ્રત્યક્ષ નથી દેખાતાં. છતાં એનું ફળ જે અનુકૂળ-પ્રતિકૂળ સંયોગો તે તેને દેખાય છે તેથી કર્મનું અસ્તિત્વ-હોવાપણું પણ તે સ્વીકારે છે. પણ એ સર્વનો જાણનારો હું એ સર્વથી ન્યારો છું એમ તે સ્વીકારતો નથી. અહાહા...! અંદર આનંદનું ધામ જ્ઞાનઘન પ્રભુ પોતે સ્વપણે સત્ વિરાજે છે છતાં તે ઈન્દ્રિયપ્રત્યક્ષ નથી તેથી તેને સ્વીકારતો નથી. કાંઈ નથી એમ શૂન્ય માની અજ્ઞાની આ રીતે પોતાનો નાશ કરે છે. પર જીવને કોઈ બચાવે કે નાશ કરે એ તો આત્માના અધિકારની વાત નથી, પણ અરેરે! અજ્ઞાની પ્રાણી, અંદર પૂર્ણ ચૈતન્યસત્તાપણે સ્વસ્વરૂપે પોતે વિરાજે છે તોપણ કાંઈ નથી એમ પોતાને શૂન્ય માની પોતાનો નાશ કરે છે. કેવી વિડંબના!
હવે કહે છે- ‘સ્યાદ્વાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોકતો હોવાથી જીવે છે- પોતાનો નાશ કરતો નથી.’
અહા! ધર્મી-સ્યાદ્વાદી વર્તમાન દશાને અંતરમાં વાળીને પોતે એક શુદ્ધ ચૈતન્યની હયાતીવાળું તત્ત્વ છે એમ સ્વીકારે છે. તેથી તે જીવિત છે, તે પોતાને આપઘાતથી બચાવે છે. પરથી-રાગથી હું છું એમ માનતો અજ્ઞાની પોતાના સ્વદ્રવ્યનો જ નિષેધ કરીને આપઘાત કરે છે, મિથ્યાભાવ વડે પોતાને મરણતોલ કરી નાખે છે; જ્યારે સ્યાદ્વાદી નિજસ્વરૂપનો યથાતથ્ય સ્વીકાર કરીને જિવિત રહે છે, નિરાકુળ આનંદનું જીવન જીવે છે. લ્યો, આવી વાત છે.
આ પ્રમાણે સ્વદ્રવ્ય-અપેક્ષાથી અસ્તિત્વનો (-સત્પણાનો) ભંગ કહ્યો.
હવે છઠ્ઠા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘दुर्वासना–वासितः’ દુર્વાસનાથી (-કુનયની વાસનાથી) વાસિત થયો થકો, ‘पुरुषं सर्वद्रव्यमयं प्रपद्य’ આત્માને સર્વદ્રવ્યમય માનીને, ‘स्वद्रव्य–भ्रमतः परद्रव्येषु किल विश्राम्यति’ (પરદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે;.....